News Portal...

Breaking News :

રાખી મેળામા રૂ.૧૦ થી લઇ હજાર સુધીની અનેક રાખીઓની ભરમાર

2026-08-17 15:54:55
રાખી મેળામા રૂ.૧૦ થી લઇ હજાર સુધીની અનેક રાખીઓની ભરમાર

પવિત્ર રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાના બજારોમાં પણ ભાઈ-બહેનના પ્રેમ સમાન રાખડીઓની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. વડોદરાના નિઝામપુરા અતિથી ગૃહ ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વિશેષ 'રાખી મેળા'માં આ વર્ષે વિવિધ પ્રકારની રંગબેરંગી અને આકર્ષક ડિઝાઈનની રાખડીઓએ ભારે આકર્ષણ જમાવી રહી છે.

નિઝામપુરાના આ રાખી મેળામાં આશરે ૪૦ જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના વિવિધ મહિલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી અનોખી હસ્તકલાની કૃતિઓ, કલાત્મક રાખડીઓ, વેસ્ટમાંથી બેસ્ટ, રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ, ઘર સુશોભનની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમા આકર્ષણનું કન્દ્ર બનેલા રાખીના સ્ટોલ પર બહેનોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ સ્ટોલ પર રૂ.૧૦ થી લઈને રૂ.૧૦૦૦ સુધીની કિંમતમાં વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. 

રાખીના સ્ટોલ પૈકી એક વડુ-પાદરાના અક્ષીતાબેન પટેલે હાલના માર્કેટની વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૦૫ વર્ષથી જાતે રાખડીઓ બનાવીને સ્ટોલમા વેચાણ કરે છે. આ વર્ષે પણ રાખડીઓની ખરીદીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વિવિધ વેરાઇટીઓ અંગે જાણકારી આપી હતી કે, સુગંધ અને પવિત્રતા ધરાવતી સુખડની રાખડીઓ હાલના સમયમા પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ટ્રેન્ડી અને રોયલ લુક આપતી ડાયમન્ડ અને મોતીકામવાળી રાખડીઓ, પરંપરાગત અને મોર્ડન ડિઝાઈનનું સુંદર મિશ્રણ ધરાવતી બ્રાસ તેમજ ચાંદીની રાખડીઓ પણ વિવિધ રેન્જમાં ઉપલબ્ધ છે. આ રાખી મેળામા અનેક સ્ટોલ પર વિવિધ પ્રકારની ડીઝાઇન અને કિંમતની રાખડીઓ મળે છે. જેને ખરીદી માટે અક્ષીતાબેનએ જાહેર અપીલ કરી નાગરીકોને રાખી મેળાની મુલાકાત કરવા આમંત્રણ આપ્યું હતું. 


આ મેળામા રાખીના સ્ટોલ પૈકી એક સ્ટોલ પદમાલા ગામના હર્ષદ ભવાની સખી મંડળને ફાળવવામાં આવ્યું છે. જેના પ્રમુખ શ્રીમતી શર્મિષ્ઠાબેન પરમારએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, સખી મંડળની ૧૨ બહેનો દ્વારા આ રાખડીઓ ખુબ જ પ્રેમ અને સ્નેહ સાથે તૈયાર કરવામાં આવી છે. અમારા પાસેથી રાખડી ખરીદી કરી બહેનોને આત્મનિર્ભર બનવામાં સહયોગ કરી શકો છો. તેમણે જણાવ્યું કે, તેમની પાસે ભાઇ-ભાભીની રાખડી, નાના બાળકો માટે કાર્ટૂન અને લાઈટિંગવાળી આકર્ષક રાખડીઓ રૂ.૧૦ થી લઇ ૧૦૦૦ સુધીની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે.

સ્થાનિક મહિલા કારીગરોને આત્મનિર્ભરતા અને રોજગારી માટે પ્રોત્સાહન આપવાના હેતુથી વડોદરાના નિઝામપુરા હોલ ખાતે આગામી તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી સવારે ૧૧:૦૦ કલાક થી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી "રાખી મેળો" નું આયોજન કરવામાં આવ્યું છે. રાખી મેળામાં વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને રાખડીઓની ખરીદી કરીને પર્વની ઉજવણીનો ઉત્સાહ બેવડો કરી રહ્યા છે. આ મેળો વડોદરાના સ્થાનિક કલાકારો માટે કલાને ઉજાગર કરવાનો અને નાગરિકોને અનેક પ્રકારની ચીજ વસ્તુઓ એક જ સ્થળ પર ખરીદવાનો એક લાહ્વો સમાન સાબીત થયો છે. 

Reporter: admin

Related Post