દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ "વોટ ચોરી" એટલે કે મતદાર યાદીમાંથી નામોની ગેરકાયદેસર બાદબાકીના મુદ્દે સરકાર અને ચૂંટણી પંચ સામે પોતાનો હુમલો વધુ તેજ કરી દીધો છે.
અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આરોપો લગાવ્યા બાદ, તેમણે આજે (બુધવારે) ફરી એકવાર આ મુદ્દે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે. રાહુલ ગાંધીનો મુખ્ય આરોપ એ છે કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અભિયાનની આડમાં દેશભરમાંથી લાખો મતદારો, ખાસ કરીને દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી સમુદાયના લોકોના નામ જાણીજોઈને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધી આ પ્રક્રિયાને સત્તાપક્ષ દ્વારા કરવામાં આવતી "વોટ ચોરી" ગણાવી રહ્યા છે.આ પહેલા પણ રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કર્ણાટકનું ઉદાહરણ આપતા દાવો કર્યો હતો કે ત્યાં એક ખાનગી એજન્સી દ્વારા મતદારોનો ડેટા એકત્રિત કરીને હજારો કોંગ્રેસ સમર્થકોના નામ યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા માંગ કરી હતી કે આ SIR પ્રક્રિયાને તાત્કાલિક રોકવામાં આવે અને સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવામાં આવે.
Reporter: admin







