ઇમ્ફાલ : મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે. અહેવાલ છે કે મૈતેઇ નેતાઓની ધરપકડ બાદ ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા.
પરિસ્થિતિને જોતા, મણિપુર સરકારે રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગ અને વિષ્ણુપુર એમાં પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ સાથે જ આ જિલ્લાઓમાં વધુ લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા તણાવ અને અફવાઓથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારને આશંકા છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ભડકાઉ સંદેશાઓ અને ખોટા સમાચાર ફેલાવીને વાતાવરણ બગાડી શકે છે.
સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'આનાથી લોકોના જીવને જોખમ, સંપત્તિને નુકસાન અને સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે છે. તેથી, મોબાઇલ ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા એપ્સ, VPN, ડોંગલ જેવી સેવાઓ રાત્રે 11:45 વાગ્યાથી બંધ કરી દેવામાં આવી છે."મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે મોડી રાત્રે મૈતેઇ નેતા અરંબાઈ ટેંગોલની ધરપકડ કરવામાં આવતા ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં ભારે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. આ પછી, વહીવટીતંત્રે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને અફવાઓને કાબુમાં લેવા માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો. આ સાથે, વહીવટીતંત્રે જનતાને શાંતિ જાળવવા અને કોઈપણ ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
Reporter: admin







