વડોદરા : ભારતીય રેલવે માટે કમાઉ દીકરો બનેલી વંદે ભારત એક્સપ્રેસ દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે તેની સાથે ગુજરાતમાં પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતને એકસાથે બે નવી ટ્રેનની ભેટ મળશે, જેમાં એક વંદે ભારત ટ્રેનનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બે નવી ટ્રેનોને લીલી ઝંડી આપવાના છે.જેમાં એક ટ્રેન વંદે ભારત પણ સામેલ છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન પીએમ મોદી દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે ટ્રેનોનું લોકાર્પણ કરવાના છે. આ બાબતે રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું. આજે એક સાથે બે ટ્રેનને લીલી ઝંડી આપવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને ખાસ ફાયદો થશે.
વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે કહ્યું હતું કે પીએમ મોદી દ્વારા બે નવી ટ્રેનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં પહેલી સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ છે, જે સાબરમતી સ્ટેશન ઉપડશે અને સોમનાથ મંદિર પાસે વેરાવળ સુધી જશે. આ ટ્રેન ગુરુવારને બાદ કરતા અઠવાડિયામાં 6 દિવસ દોડવાની છે. આ ટ્રેનમાં કુલ આઠ કોચ હશે, જેથી સોમનાથ જવાવાળા શ્રદ્ધાળુઓ અને લોકોને મોટો ફાયદો થશે.બીજી ટ્રેનની વાત કરવામાં આવે તો વડા પ્રધાન વલસાડ-દાહોદ એક્સપ્રેસને લીલી ઝંડી આપવાના છે. આ ટ્રેન વલસાડ અને દાહોદ વચ્ચે ચાલવાની છે. જેમાં કુલ 17 કોચ હશે. આ ટ્રેન વલસાડથી દાહોદ એક્સપ્રેસ ટ્રેન નંબર 19011 નામે દોડવાની છે, જ્યારે દાહોદથી વલસાડ એક્સપ્રેસ ટ્રેન નંબર 19012 નામે દોડવાની છે. સમયની વાત કરવામાં આવે તો, વલસાડ-દાહોદ-વલસાડ એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના સાતેય દિવસ દોડવાની છે.
Reporter: admin