સોમા તળાવ બ્રિજ નીચે આવેલ કપૂરાઇ નંદઘરની પાસે જ શરાબની ખાલી બોટલો,દેશી દારૂની ખાલી પોટલીઓ

શહેરના સોમા તળાવ બ્રિજ નીચે આવેલું કપૂરાઇ નંદઘર શરાબીઓ માટેનો સુરક્ષિત અડ્ડો બની ગયું હોય તેમ જણાય છે. અહીં નંદઘર કે જ્યાં નાના નાના ભૂલકાઓ તેમના જીવનના શિક્ષણના પ્રથમ પગથિયે એટલે કે શિક્ષણના પ્રાથમિક પાયાનો અભ્યાસ શીખે છે. અહીં નંદઘરના કંપાઉન્ડ વોલ પર સ્વચ્છતા સંદેશ આપતા સૂત્રો લખેલાં હોવા છતાં કેટલાક નશાખોરો સરસ્વતીના ધામમાં એટલે કે નંદઘરના પરિસરમાં દેશી દારૂની તથા અંગ્રેજી દારુની મહેફિલ માણતા હોય છે અને ખાલી બોટલો તથા દેશી દારૂની પોટલીઓ અહીં જ્યાં ત્યાં ફેંકી ગંદકી કરી રહ્યાં છે. આ વિસ્તાર કપૂરાઇ પોલીસની હદમાં આવે છે સોમા તળાવ બ્રિજ પાસે જ તથા બ્રિજના બંને તરફના વસ્તીમાં દેશી તેમજ વિદેશી શરાબ આસાનીથી ઉપલબ્ધ થાય છે તેમ છતાં પોલીસ અજાણ હોય છે? નાનાં બાળકો આ વાતાવરણ હેઠળ અહીં અભ્યાસ કરશે તો કૂમળી વયના બાળકો પર શું અસર થશે? શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા સોમા તળાવ બ્રિજ નીચે આવેલ કપૂરાઇ નંદઘર પરિસરમાં દેશી શરાબની ખાલી થેલીઓ તથા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ખાલી બોટલો નજરે પડી રહી છે. નશો કરતાં તત્વો માટે આંગણવાડીઓ જાણે નશો કરવા માટેનું સુરક્ષિત સ્થળ બની ગયું છે. અહીં દિવસમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસનું પ્રથમ પગથિયું ચઢતા હોય છે એટલે કે તેઓના પ્રાથમિક શિક્ષણ નો પાયો અહીંથી શરૂ થાય છે.

આ નંદઘરની દિવાલો ઉપર 'પ્લાસ્ટિકથી દૂર રહો,પ્રકૃતિને સુરક્ષિત રાખો' તથા 'સ્વચ્છ વડોદરા, સ્વસ્થ વડોદરા ' ના સૂત્રો લખેલાં છે પરંતુ આ સૂત્રો ની અસર નશાખોરોને નથી હોતી તેઓને એ પણ ભાન નથી રહેતું કે અહીં નાના નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવે છે તેઓના કૂમળા માનસ પર શું અસર થશે તથા અસહ્ય ગંદકી ને કારણે નાના બાળકો બિમાર થશે. નશાખોરોને ફક્ત પોતાના નશાથી મતલબ હોય છે. આ સોમા તળાવ બ્રિજ પાસે, બ્રિજ ની નીચે બંને તરફના વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓ તથા ભારતીય બનાવટના અંગ્રેજી દારુના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં અન્ય નશાની વસ્તુઓ પણ આસાનીથી મળી રહે છે. સમગ્ર મામલે કપૂરાઇ પોલીસ અજાણ હોય તે કેવી રીતે માની શકાય? સોમા તળાવ બ્રિજ શરુ થાય છે તેની બાજુમાં જ રોડ પર દેશી દારુ એક મહિલા તથા તેના પરિવાર દ્વારા વેચાણ કરવામાં આવે છે સાંજે, સવારે રોડપર અહીં ભીડ થતી હોય છે જે જગજાહેર છે પરંતુ પોલીસને ખબર નથી તે આશ્ચર્યની વાત છે. અહીંથી દેશી દારૂની પોટલીઓ સાથે નશેડીઓ બ્રિજ નીચે કપૂરાઇ નંદઘર જ્યારે બંધ હોય છે ત્યારે તેના કંપાઉન્ડમા નશો કરતા હોય છે રાત્રે આવી જગ્યાએ શરાબ, ડ્રગ્સ અને ઘણીવાર વ્યભિચાર થતો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ તો કરવામાં આવે છે પરંતુ આવી જગ્યાએ તપાસ કરવામાં આવતી નથી.





Reporter: admin







