વડોદરાઃ છાણીની નર્સરીમાં થયેલી હત્યાના આરોપીને ૨૩ વર્ષ બાદ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
છાણી જકાતનાકા વિસ્તારની રોયલ રોઝરી નર્સરીમાં ડિસેમ્બર-૨૦૦૨માં રમણભાઇ બારીયાની ફૂલ-છોડના વકરાના રુપિયા લૂંટી લેવાના ઇરાદે ત્રણ બંગાળી કારીગરોએ હાથપગ બાંધીને ગળે ફાંસો આપી દીધો હતો.હત્યારાઓમાં સુનિલ નામનો ૧૫ વર્ષનો હત્યારો પણ સામેલ હતો.જે હત્યારો બાંગ્લાદેશની બોર્ડર પાસેના માલદા ગામના વતનમાં પહોંચી ગયો હતો.ત્યારબાદ પોલીસ તેને શોધતી હતી પરંતુ કોઇ પત્તો લાગતો નહતો.વળી આરોપીનું લોકેશન પણ કર્ણાટક તેમજ અન્ય રાજ્યોમાં બદલાતું રહેતું હતું.
છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ એક ટીમને બાંગ્લાદેશની બોર્ડર પર રવાના કરી હતી.આ ટીમે આરોપીની પત્નીનો સંપર્ક કર્યો હતો અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે વાત કરી હતી.ત્યારબાદ આરોપી નોઇડામાં વાહનો ધોવાનું કામ કરતો હોવાની માહિતી મળતાં પોલીસ નોઇડા પહોંચી હતી અને તેનો સંપર્ક કરી દબોચી લીધો હતો.૧૫ વર્ષની વયે હત્યા કરનાર આરોપી પકડાયો ત્યારે તેની ઉંમર ૩૮ વર્ષની હતી અને બે સંતાનનો પિતા પણ થઇ ગયો હતો.
Reporter: admin







