જુમાનજી પાસે કરાવાયેલી બોગસ સહિઓ અંગે પણ તેની પૂછપરછ કરાઇ...

શહેરના કોર્પોરેટર પરાક્રમસિંહ સાથે ઠગાઇ કરવાના પ્રકરણમાં તથા પૂજારી સાથે પણ આ જ જમીન બાબતે 1 કરોડની ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલો વડોદરા ભાજપનો નેતા દિલીપ ગોહિલ આખરે વડોદરા પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. ગુરુવારે વડોદરા શહેરની ઇકો સેલની ટીમે તેને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.. ઇકો સેલની ટીમે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી હતી. અદાલતે દિલીપના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની ટીમ શુક્રવારે દિલીપને લઇને તેના ઘેર પહોંચી હતી અને તેના ઘરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. દિલીપના ઘેરથી પોલીસને કેટલાક મહત્વના પુરાવા પણ આવ્યા છે. પોલીસ દિલીપની પૂછપરછ કરીને ચાર મહિના સુધી તે ફરાર રહ્યો ત્યારે દિલીપને કોણે મદદ કરી હતી તથા પરાક્રમસિંહ પાસેથી પડાવેલા રોકડા રુપિયા તથા પૂજારીના 1 કરોડ ઉપરાંતના ચેકો રિકવર કરવા તથા બોગસ સહિઓ કોણે કરી હતી તે સહિતના મુદ્દા અંગે પણ તપાસ શરુ કરી હતી. વાઘોડિયા તાલુકાના વડોદરા હાલોલ રોડ પર આવેલ ભણીયારાના શક્તિધામ ખાતે રહેતા અને ખેતી વ્યવસાય સાથે પૂજારી તરીકે સેવા આપતા રમેશભાઈ પટેલ (મહારાજ)એ વડોદરા શહેર પોલીસ કમિશ્નરને આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના મંદિરની બાજુમાં સુખલીપુરા ગામ સર્વે નંબર 215 જેનું ક્ષેત્રફળ 1-99-30 વાળી જમીન અંગે આરોપી કમલેશભાઈ લાલજીભાઈ દેત્રોજા (રહે. વાત્સલ્ય કુંજ નારાયણ વાડી પાસે, અટલાદરા વડોદરા)એ જમીન પોતાના કાકા પરેચા અમૃતલાલ નરભેરામએ વેચાણ રાખેલ હોવાથી તેનો વહીવટ અમે પોતે કરીએ છીએ તેમ જણાવી ખાતરી આપી હતી.
ત્યારબાદ કમલેશ અને દિલીપભાઈ ગણપતસિંહ ગોહિલ (રહે. રામા પેલેસીયો,ઇસ્કોન હેલીટેટ પાસે ન્યુ અલકાપુરી ગોત્રી, વડોદરા) એ વર્ષ 2023માં આ જમીન વેચાણ આપવા અંગેની ચર્ચા કરી પાવર ઓફ એટર્ની દર્શાવી હતી. દિલીપ ગોહિલએ ફરિયાદીને વેચાણ દસ્તાવેજ કરતી વખતે પરેચા અમૃતલાલને લઇ આવીશું તેવો ભરોસો આપ્યો હતો. જમીનની કીમત આશરે એક કરોડ પચ્ચાસ લાખ પુરા તેમજ વેચાણ દતાવેજ બાદ સદર રકમ 30 માસમાં પૂરી રકમ જમા કરી આપવાની રહેશે તેમજ ટોકનની રકમ અવેજ લેતા જ જમીનનો કબજો ફરિયાદીને સુપરત કરશે.તેવું નક્કી કરાયું હતું. ત્યારબાદ ફરિયાદીએ RTGS તથા આરોપીઓને રૂબરૂમાં રોકડ સાથે કુલ રૂપિયા 1,04,17,000/- જમીન પેટે આપ્યા હતા. કમલેશ અને દિલીપને વેચાણ દસ્તાવેજ કરી આપવા જણાવતા પરેચા અમૃતલાલ બીમાર છે તેમ કહી રકમ લઇ ગયા હતા. અને જણાવ્યું હતું કે, પાવરથી દસ્તાવેજ કરવાનો નથી પરેચા નરભેરામ પોતે આવી દસ્તાવેજ કરી આપશે. આરોપીઓએ આ જમીન બીજાને વેચાણ કરી દીધેલાની જાણ થતા ફરિયાદીએ રેકોડ તપાસતા તે જમીન પરાક્રમસિંહ જાડેજાને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આ અંગે પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું કે, મંદિર માટે જમીન જોઈતી હોય તો મને મારી ખરીદ કિંમતના રૂપિયા આપી દેવા મંદિર માટે વગર નફે તમોને વેચાણ દસ્તાવેજ કરી આપવા સંમત છું. જો કે, બાદમાં તેમની સાથે ચીટિંગ થયાની જાણ થતા આરોપીઓએ જમીન વેચાણ આપવાનું જણાવી પૂર્વયોજિત કાવતરું રચી બદઈરાદે વિશ્વાસ આપી ઠગાઈ કરવાના હેતુથી ફરિયાદી પાસેથી મોટી અવેજ જમીન પેટે મેળવી જમીનનો વેચાણ દસ્તાવેજ નહિ કરી આપી તે જમીન પરાક્રમસિંહ જાડેજા નાઓને વેચાણ દસ્તાવેજ કરી આપી ઠગાઈ કરેલ છે. દિલીપ સામે શહેર ઇકો સેલ તથા ક્રાઇમ બ્રાન્ચમાં ઠગાઇની 2 ફરિયાદ નોંધાયેલી છે,. એક જ જમીનમાં ઠગાઇની આ બે ફરિયાદો છે. વડોદરામાં ગુનો નોંધાયા બાદ દિલીપ ગોહિલ વિદેશ ફરાર થઇ ગયો હતો તે કેનેડા, થાઇલેન્ડ અને દુબઇ સહિત ચાર દેશોમાં ફર્યો હતો. આ માટે કોઇકે તો તેને પૈસાની મદદ કરી જ હશે જેથી તેને આ સ્થળોએ ભાગવા કોણે પૈસા આપ્યા તે મુદ્દા પર પણ પોલીસે તપાસ શરુ કરી છે. આ ઉપરાંત તેની સાથે કૌંભાડમાં અન્ય કોણ સંડોવાયેલ છે તેની પણ તપાસ કરાઇ રહી છે.
દિલીપની કાર કબજે કરાઇ...
પોલીસની એક ટીમે દિલીપના ઘેર તપાસ કરી હતી અને તેની કાર પણ કબજે કરીહતી. તેનું સ્ટેટમેન્ટ હાલ લેવાઇ રહ્યું છે. પરાક્રમસિંહ પાસેથી લીધેલા 21 લાખ રુપિયા ક્યાં છે તથા પૂજારી પાસેથી લીધેલા 1 કરોડ ઉપરાંતના ચેકો ક્યા છે તેની તપાસ કરાવાઇ રહી છે. જુમાનજી પાસે કરાવાયેલી બોગસ સહિઓ અંગે પણ તેની પૂછપરછ કરાઇ રહી છે.
Reporter: admin







