ઉત્સવ પ્રેમી વડોદરા નગરીમાં દરવર્ષે ગણેશોત્સવ દરમિયાન પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે કાળો કકળાટ ચાલે છે. આ શિરસ્તો આ વર્ષે પણ જારી છે. આ વખતે પણ પોલીસે ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ બાબતે જાહેરનામુ બહાર પાડીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે.
સામાન્ય રીતે શહેર પોલીસ કમિશનર ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ બાબતે જાહેરનામુ બહાર પાડે એટલે ભાજપના જ કોઈ નેતા હિરો બનીને આગળ આવે અને પોલીસને રજૂઆત કરે. ત્યારપછી થોડા જ દિવસોમાં જાહેરનામાનું સૂરસૂરીયું થઈ જાય. આવો નાક દબાવીને મોઢું ખોલાવવાનો ખેલ વર્ષોથી ચાલતો હતો. ગણેશ મંડળો બધુ જાણતા પણ હતા છતાંય આંખ આડા કાન કરતા હતા. પણ આ વર્ષે ગણેશ મંડળોએ મીજાજ થોડો બદલ્યો છે એમણે પોલીસ કમિશનરના જાહેરનામા સામે જાતે જ વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો છે. આ વખતે ગણેશ મંડળોની વ્હારે કોંગ્રેસના નેતાઓ આવ્યા છે.આજે વડોદરા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ ગણેશોત્સવ દરમિયાન પ્રભુની પ્રતિમાની ઉંચાઈ અંગેના પોલીસના જાહેરનામાનો વિરોધ કર્યો છે.
આજે કોંગ્રેસના આગેવાનોએ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ઘટતુ કરવાની માંગણી કરી હતી. બીજી તરફ ગણેશ મંડળોએ પોલીસના જાહેરનામાના વિરોધમાં રેલી કાઢવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ પ્રતાપ મડઘાની પોળમાં ગણેશ મંડળોએ મિટિંગ યોજી હતી. જેમાં ગણેશજીની પ્રતિમાની ઉંચાઈના મામલે બહાર પડાયેલા જાહેરનામાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એના માટે લડત આપવા એકજૂટ થવાનો સંકલ્પ પણ લીધો હતો. એટલું જ નહીં 23મીએ જાહેરનામાના વિરોધમાં રેલી કાઢવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ગણેશ મંડળો દ્વારા યોજાનારી રેલીમાં પ્રમુખ અને સભ્યોથી માંડીને સ્થાનિક લોકો અને મહિલાઓ જોડાશે. ગણેશોત્સવ બચાવવા માટે યોજાનારી રેલીમાં ઉત્સવપ્રેમી જનતાને પણ જોડાવવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
Reporter: News Plus