ગાંધીનગરઃ રાજ્યમાં દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે વેચવા અને તેનું ગેરકાયદે વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરતું હોવાથી રાજ્ય સરકારે પોલીસ પ્રશાસનની મદદ લઈને ગુજરાતના તમામ મેડિકલ સ્ટોર્સમાં પોલીસનું મેગા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદે દવાઓને પણ જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદે વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી આજે રાજ્યના મેડિકલ સ્ટોર્સમાં પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે.
આ મેગા ચેકિંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ. સી. બી.), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.
Reporter: admin







