News Portal...

Breaking News :

જુનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ સતર્ક

2025-09-02 12:26:38
જુનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ સતર્ક


વડોદરા: શહેરમાં ગણેશોત્સવની રંગીન ઉજવણી વચ્ચે હવે વિસર્જનની તૈયારી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને જુનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું છે. 


શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગણેશોત્સવ સાથે સાથે 5 સપ્ટેમ્બરે ઈદ પર્વ પણ આવી રહ્યું છે, તેથી સુરક્ષાને લઇને તમામ જરૂરી આયોજન કરાયું છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને સહન નહીં કરવામાં આવે. તાજેતરમાં બનેલી ઘટનાઓમાં તાત્કાલિક કાર્યવાહી થઈ છે અને આરોપીઓ ઝડપાયા છે. ગણેશ વિસર્જન દરમિયાન 9 કંપનીઓ આરઆરપી, બીએફએફ અને સીઆરપીએફની તૈનાત રહેશે. આ સાથે 1,500 હોમગાર્ડ, 4 એપી, 23 ડીવાયએસપી, 109 પોલીસ ઇન્સ્પેક્ટર અને 210 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 3,000 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.


સંવેદનશીલ વિસ્તારોમાં ડીપ પોઇન્ટ, ધાબા પોઇન્ટ અને ફિક્સ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. ટેક્નોલોજીકલ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રોન કેમેરા, સીસીટીવી તથા બોડીવૉર્ન કેમેરાથી દેખરેખ રહેશે. વજ્ર, વરૂણ, એન્ટી રાયોટિંગ કીટ સાથે સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ હાજર રહેશે.સોશિયલ મીડિયા પર મોનીટરીંગ માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ખાસ વ્યવસ્થા કરી છે. ધાર્મિક આગેવાનો સાથે સતત સંકલન કરીને શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસ થઇ રહ્યો છે.

Reporter: admin

Related Post