અમદાવાદ :શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ-2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.

ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સૂર્યનગર પોલીસ ચોકીથી શાહઆલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. બે કલાકમાં જ 1000થી વધુ નાના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. અંદાજે 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર થઈ ગયા છે.

છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઈકથી જાણ કરવામાં આવે છે કે 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે. જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.

Reporter: admin