દિલ્હી : પ્રાઇવેટ સેક્ટર્સના કર્મચારીઓને રિટાયરમેન્ટ ફાઇનાન્સિયલ સિક્યોરિટી આપનારી EPFO સિસ્ટમ ટૂંક સમયમાં એક મોટા ફેરફાર સાથે આવી શકે છે.
સરકાર ઇપીએફઓ હેઠળ એવી સિસ્ટમ પર કામ કરી રહી છે જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના ગ્રાહકોને નાણાની જરૂર પડવા પર એટીએમ દ્વારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી eપીએફના નાણા ઉપાડી શકાશે.
એટીએમમાંથી નાણા ઉપાડવાની મર્યાદા પણ નક્કી કરવામાં આવશે જેથી નિવૃત્તિ વખતે ફાઇનાન્સિયલ સિક્યુરિટી બની રહે અને ઇમરજન્સી પર લિક્વિડિટી પણ રહે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલ સરકારની મહત્વાકાંક્ષી ઇપીએફઓ ૩.૦ યોજનાનો હિસ્સો છે. જેનો ઉદ્દેશ સેવાઓનું આધુનિકીકરણ કરવું અને ગ્રાહકોને તેમની બચત પર વધારે અંકુશ આપવાનો છે.
એટીએમમાંથી ઉપાડની સાથે સાથે શ્રમ મંત્રાલય કર્મચારી યોગદાન પર ૧૨ ટકાની મર્યાદાને દૂર કરવા વિચારી રહ્યું છે. જેનાથી કર્મચારી પોતાના નાણાકીય લક્ષ્યાંકોને અનુરૂપ વધારે બચત કરી શકશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રાહકને ટૂંક સમયમાં વર્તમાન મર્યાદાથી વધુ રકમ જમા કરાવવાની સુવિધા મળી શકે છે. જ્યારે નોકરીદાતાનો ફાળો સ્થિરતા માટે પગાર આધારિત રહેશે.
કર્મચારીઓને પોતાના ખાતામાં નાણા જમા કરાવવાની સ્વતંત્રતા મળી શકે છે. જેનાથી કોઇ પણ પ્રતિબંધ વગર તેમની બચત વધી શકે છે. આ ઉપરાંત સરકાર કર્મચારી પેન્શન યોજના ૧૯૯૫ (ઇપીએસ-૯૫)માં સુધાર પર કાર્ય કરી રહી છે.
હાલમાં નોકરીદાતાના ફાળાના ૮.૩૩ ટકા ઇપીએસ-૯૫ને ફાળવવામાં આવે છે. પ્રસ્તાવિત પરિવર્તનોથી કર્મચારીઓને સીધી યોજનામાં યોગદાન કરવાની મંજૂરી મળી શકે છે. જેનાથી તેમને પોતાના પેન્શન લાભ વધારવામાં મદદ મળશે.
Reporter: admin