વાઘોડિયા તાલુકામાં ટેમ્પો અને ઇકો કારમાં ચોર ટોળકી ફરી રહી છે અને લોકોને માર મારી ચોરી, લૂંટ ચલાવી રહ્યા હોવાની જોરદાર અફવાઓ ચાલી રહી છે.
આ અફવાઓ વચ્ચે ભયના ઓથાર નીચે આવી ગયેલા ગામ લોકોએ પોલીસ ઉપર ભરોસો ન રાખતાં રાત્રે ફેરણી શરૂ કરી દીધી છે. જોકે આકડિયાપુરા ગ્રામજનોની ગેરસમજના કારણે રવિવારે વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા D-3, શુભ પ્લાઝમા રહેતો અને પારૂલ યુનિવર્સિટીમાં BSC ન્યુરોલોજીમા અભ્યાસ કરતો 20 વર્ષીય પાયો એરીક રવિવારની રજા હોવાથી મિત્રની સાઇકલ લઈને વાઘોડિયા ફરવા નિકળ્યો હતો. ફરતા ફરતા આકડિયાપુરા ગામ તરફ નીકળી ગયો હતો. તે દરમિયાન ચોરોને પકડવાની ફિરાકમાં ફરતા આકડિયાપુરા ગામના લોકોને વિદ્યાર્થી પાયો ચોર જેવો દેખાતા તેનું નામ પૂછ્યું હતું. વિદેશી વિદ્યાર્થી પાયોને ગુજરાતી આવડતું ન હોવાથી તે અંગ્રેજીમાં વાત કરતાં ગ્રામજનોએ આ યુવાન ચોર હોવાનું અનુમાન લગાવી ઢોર માર માર્યો હતો.
ગામ લોકો વિદેશી વિદ્યાર્થીને માર મારી રહ્યા હતા તે દરમિયાન પારૂલ યુનિવર્સિટીના પ્રોફેસર છાયંકાબેન આવી જતાં વિદ્યાર્થીને ગામ લોકોની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. આ સાથે પ્રોફેસરે યુનિવર્સિટીના સિક્યોરિટી ઓફિસર એમ.પી. સિંઘને જાણ કરતાં તેઓ પણ રોહિતકુમાર અને પી.સી. બાબુ પણ દોડી આવ્યા હતાં. અને ઇજાગ્રસ્ત પાયોને પારૂલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.જીવલેણ હુમલામાં વિદ્યાર્થીના ડાબા કાંડામાં ફ્રેક્ચર થઈ ગયું છે. હાલ તેણે ICUમાં સારવાર આપવામાં આવી રહી છે.આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પાયો એરીકે વાઘોડિયા પોલીસ મથકમાં આકડિયાપુરા ગામના મહેશ મથુરભાઈ પરમાર, જગદીશ અંબાલાલ પરમાર, સુનિલ મણીલાલ વસાવા અને રાહુલ મણિલાલ વસાવા સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પોલીસે હુમલાખોરોની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: