ભ્રષ્ટ અધિકારી અને લોભિયા કોન્ટ્રાક્ટરની મલિભગત...
વડોદરા શહેરમાં રસ્તાઓ બનાવતા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાની કામગિરી કરતા હોવાથી શહેરમાં તમામ વિસ્તારોમાં અસંખ્ય ના ગણી શકાય તેટલા ખાડા અને ભુવા પડ્યા છે. અને પરિણામે ચોંકી ઉઠેલા કમિશનરે હવે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પગ નીચે રેલો આવે તેવા ફટાફટ નિર્ણયો લેવાની શરુઆત કરી દીધી છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને સીધા દોર કરવા કમિશનર હવે દંડની નોટિસો ફટકારી રહ્યા છે. હલકી કક્ષાની કામગિરી કરનારા કોર્પોરેશનના 24 કોન્ટ્રાક્ટરોને કમિશનરે દંડ ફટકાર્યો છે જેના કારણે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની સિન્ડીકેટ અને તેમના મળતીયા અધિકારીઓ અને નેતાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. હાલ શહેરમાં પડેલા ખાડાઓ, ભૂવાઓ પૂરવા માટે મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરા મનપામાં કામ કરતા 24 કોન્ટ્રાક્ટરોને તેમના કામમાં ક્ષતિ બદલ દંડ ફટકારાયો છે. જો કે એ.સી કેબિનમાં બેસી વાતોના વડા કરનાર અધિકારીઓ તદ્દન નિર્દોષ હોય તેવો ઘાટ ઘ઼ડાયો છે. કોઇ પણ કામ અધિકારીઓની મંજુરી અને ઇન્સ્પેકશન વિના પૂર્ણ થાય તે શક્ય હોતું નથી. હવે કમિશનરે કોન્ટ્રાક્ટરોની તરફેણ કરતા અને ઇન્સ્પેક્શન ના કરતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની જરુર છે અને તો જ આ મળતીયાઓની સિન્ડીકેટ તુટશે અને શહેરીજનોને સારા રસ્તા મળશે અને લોકોના ટેક્સનો સદપયોગ થશે. શહેરમાં રસ્તા ઉપરાંત ગટરના કામોમાં પણ અને પાણીની લાઇનો નાખવાના કામોમાં પણ વ્પક ભ્રષ્ટીચાર થાય છે અને તે બાબતે પણ કમિશનરે તપાસ શરુ કરાવવી જોઇએ. કમિશનર અરુણ મહેશ બાબુ કોઇને ગાંઠે તેવા નથી અને તેઓ જાતે સ્થળ વિઝીટ કરીને જ નિર્ણયો લઇ રહ્યા છે જેથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
શહેરમાં કોન્ટ્રાક્ટરોના પાપે 3930 ખાડા
વડોદરા મહાનગર પાલિકાના કાર્યવાહી અહેવાલ મુજબ શહેરના ચારેય ઝોનમા ચોમાસાની ઋતુ દરમ્યાન પડેલા ખાડાઓનો સર્વે કરવામા આવ્યો છે. સર્વે મુજબ કુલ 3930 ખાડાઓ છે. ચારે ઝોનના 19 વોર્ડના એન્જિનિયરીંગ ટીમો દ્વારા પ્રત્યેક વોર્ડમાં નાના મોટા ખાડાઓ 3930 પૈકી 2502 નંગ ખાડાઓ 3384.0 મે.ટન હોટમિક્ષ મટીરીયલ થી તેમજ 1290 નંગ ખાડાઓ 1401 મે.ટન વેટમીક્ષ મટીરીયલનો ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 38.42 કિ.મી. માર્ગની મરામત કરવા પાત્ર રોડની લંબાઈમાં, રોડ રીપેરીંગ કરવા અંગેની કામગીરી સામે 36.10 કિમી ની લંબાઈમાં રસ્તાની મોટરેબલ કરવાની કામગીરી વેટ મિક્સ અને જીએસબી દ્વારા કરવામાં આવી છે. આ 36.10 કિમી ની લંબાઈ પૈકી 13.41 કિમી લંબાઈમાં ડામરનો ઉપયોગ કરીને રીપેરીંગ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાની હદમાં આવેલ આવેલ કૂલ 43 બ્રિજનુ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવામા આવ્યું છે. જે પૈકી 41 બ્રિજો સલામત છે. બાકીના 2 બ્રિજો ટ્રાફિક અને રાહદારીઓ માટે સલામત ન હોવાથી કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટરો સામે કમિશનરની લાલ આંખ
પાલીકામાં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા 10 કોન્ટ્રાક્ટર, ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગમાં કામ કરતાં 6 કોન્ટ્રાક્ટર અને રોડ પ્રોજેક્ટ વિભાગમાં કામ કરતા 8 કોન્ટ્રાક્ટર ને તેઓના કામમાં વિવિધ ક્ષતિઓ સંદર્ભે દંડ કરવામાં આવ્યો છે. આ ઇજારદાર તેઓના સ્વખર્ચે રોડ રીસ્ટોરેશનની અને ખામીયુકત કામગીરી માટે રેક્ટિફાય કરવાની કામગીરી કરશે. રોડ રીપેરીંગની કામગીરી માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે. તે મુજબ ખાડા પૂરવાની અને રોડ રિસ્ટોરેશનની કામગીરી કરવામા આવે છે.શહેરના તમામ જાહેર રસ્તાઓ પર જોખમી જણાય આવેલ અને નમી ગયેલા વૃક્ષોનું ટ્રીમીંગ અને કટીંગની કરવાની કામગીરી પણ ચાલી રહી છે.
ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરની ભલામણ કરનારા અધિકારીઓ અને નેતાઓ પણ હવે રડારમાં...
શહેરીજનોને ખબર જ છે કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કઇ રીતે કોર્પોરેશનનો કરોડોના કોન્ટ્રાક્ટ મળી જાય છે. આ કોન્ટ્રાક્ટરોને જે તે વિભાગના અધિકારીઓ અને કોર્પોરેશનના નેતાઓનો છુપી રીતે સહયોગ હોય છે. નેતાઓ અને અધિકારીઓ પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવે છે અને રાજકીય રીસામણા મનામણા બુમબરાડા પાડીને તથા ધમકીઓ આપીને પણ નેતાઓ માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાવી દે છે. જેથી હવે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થઇ રહી છે તો તેમના મળતીયા અધિકારીઓ સામે કાર્યવાહી કરી તેમની ભલામણો કરનારા નેતાઓ ના નામો પણ જાહેર કરી દેવા જોઇએ જેથી શહેરીજનોને જાણ થાય કે કોર્પોરેશનમાં કેવા વહિવટો થાય છે.
Reporter: admin







