જિલ્લાના કરજણ-કાયાવરોહણ માર્ગને ડામર અને કપચીના ઉપયોગ થકી દુરસ્ત કરાયો

રાજ્યના નાગરિકોને અવરજવરની સુવિધામાં મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો મુજબ વડોદરા જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે.વડોદરા જિલ્લાના કરજણ અને કાયાવરોહણ વચ્ચેના માર્ગ પર થયેલા ખાડાઓ અને ક્ષતિઓને સુધારવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પેચવર્ક કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદ બાદ ખરાબ થયેલા આ માર્ગને ધ્યાને રાખીને વિભાગ દ્વારા આ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

રસ્તાઓના સમારકામની કામગીરી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ ચાલી રહી છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓને ડામર અને કપચીના મિશ્રણનો ઉપયોગ કરીને સમતળ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે મોટી સંખ્યામાં શ્રમિકો અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ સમારકામની કામગીરી તા.૧૯/૦૭/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગ દ્વારા તમામ જરૂરી સંસાધનો અને માનવબળ તૈનાત કરવામાં આવ્યું છે.


Reporter:







