કારેલીબાગ વિસ્તારમાં ઇમારત આગળ બનાવેલ મહાકાય લોખંડી સ્ટ્રક્ચરની પાલિકાની તપાસમાં ઇમારતના જવાબદારોને ગેરકાયદેસર સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની નોટિસ આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
શહેરમાં થઈ રહેલ અફાટ વિકાસના નામે કેટલાક તત્વો દ્વારા કાયદેસર બનાવમાં આવેલ ઇમારતોમાં ગેરકાયદેસર રીતે દબાણ કરવાની કે સ્ટ્રક્ચર બાંધવા અથવા ઉભા કરવાની ઘટનાઓ થોડા થોડા સમયે પ્રકાશમાં આવતી રહે છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલ ઇમારત ખાતે ગેરકાયદેસર લોંખડી સ્ટ્રક્ચર બનાવી દેવાની ઘટના સામે આવ્યા બાદ તેના અહેવાલ અમારા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલ બાદ સફાળું જાગેલું પાલિકાનું તંત્ર એક્શનમાં આવી ગયું હતું અને ઇમારતના જવાબદારોને નોટિસ આપી સ્ટ્રક્ચર દૂર કરવાં જણાવ્યું હતું. કારેલીબાગ વિસ્તારની પાણીની ટાંકી ચાર રસ્તા પર પારુલ યુનિવર્સિટી વડોદરા ઓફિસના નામે આવેલ બિલ્ડીંગના આગળના ભાગે માર્જિન/ પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર રીતે વિશાળ લોખંડના સ્ટ્રક્ચરને બનાવી દેવાના અહેવાલની અસર પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા પાસે આવેલ એક ઇમારત જેના ઉપર પારુલ યુનિવર્સિટી ઓફિસ એમ લખવામાં આવેલ છે એ ઇમારતની બહારની તરફ માર્જિનની જગ્યામાં લોખંડનું મહાકાય સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યું છે. આ લોખંડના સ્ટ્રકચરને બનાવવા માટે ઇમારત બનાવનારે પાલિકા પાસેથી શું જરૂરી પરવાનગી લીધી હતી કે કેમ તે અંગેના અહેવાલો પ્રસારિત થયા હતા.અહેવાલો પ્રસારિત થયા બાદ પાલિકાનું ઊંઘતું તંત્ર તરત જાગ્યું હતું અને ઈમારતના જવાબદાર લોકોને નોટિસ આપી હતી.પાલિકા દ્વારા આપેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ઈમારતની બહાર જે ગેરકાયદેસર રીતે લોખંડનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તે સ્ટ્રકચરને તાત્કાલિક દૂર કરવામાં આવે. ઇમારતમાં બનાવેલ ગેરકાયદે સ્ટ્રક્ચરને દૂર કર્યા બાદ તેના ફોટોગ્રાફ્સ સાથે લેખિતમાં પાલિકામાં જાણ કરવાની રહેશે. આ નોટિસ મળ્યા બાદ પણ જો સ્ટ્રકચરને દૂર કરવામાં નહીં આવે તો કોઈપણ પ્રકારની આગોતરા જાણ કર્યા વિના ગેરકાયદેસર સ્ટ્રકચરને પાલિકા દૂર કરી દેશે. સ્ટ્રક્ચર દૂર કરવાની પાલિકાની કામગીરી દરમિયાન જો જાનહાની કે કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ ઈમારતના માલિકની રહેશે. હવે જોવાનું એ રહ્યું કે ઇમારતના સંચાલકો દ્વારા આ ગેરકાયદેસર લોખંડના સ્ટ્રકચરને કેટલા સમયમાં દૂર કરવામાં આવે છે કે પછી શાખના દમ પર પાલિકાની કાર્યવાહીને અટકાવી દેવામાં આવે છે.
શહેરમાં ટાઉન પ્લાનિંગ ના આશીર્વાદથી પરવાનગીઓની કાર્યવાહી કર્યા વગર મનસ્વી રીતે ગેરકાયદેસર કાચું અથવા પાકું સ્ટ્રક્ચર ઉભું કરી દેવાયું મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઇમારતોમાં આ પ્રકારના ગેરકાયદેસર સ્ટ્રક્ચર બનાવવાની કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવતી નથી પરંતુ આર્થિક રીતે સંપન્ન અને સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક લોકો દ્વારા જરૂરી પરવાનગીઓની કાર્યવાહી કર્યા વગર મનસ્વી રીતે ગેરકાયદેસર કાચું અથવા પાકું સ્ટ્રક્ચર ઉભું કરી દેવામાં આવે છે. આવો જ કિસ્સો કારેલીબાગમાં જોવા મળ્યો હતો. પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના નામ હેઠળ બનાવવામાં આવેલ ઇમારતમાં ગેરકાયદેસર લોખંડના સ્ટ્રકચર અંગે અમે સવાલ ઉભા કરતા જ પાલિકાએ આ વિષયને ગંભીરતાથી લઈને જવાબદારોને નોટિસ આપી છે. નોટીસના પગલે શહેરમાં ગેરકાયદે બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટા શહેરોમાં જ્યારે અકસ્માતના બનાવો સર્જાય છે ત્યારે સામાન્ય રીતે આ પ્રકારની ગંભીર બેદરકારીને કારણે જ આવી ઘટનાઓ બનતી હોય તેવું તપાસમાં બહાર આવેલ છે .જવાબદાર અધિકારીઓની રહેમ નજર હેઠળ કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર આ પ્રકારનું બાંધકામ કરીને અનેક નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. કારેલીબાગ વિસ્તારમાં થયેલ આ પ્રકારના બાંધકામની નિંદા એટલા જ માટે કરવી પડે કે જો ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય તો કેટલાય લોકોને પોતાનો જીવ ખોવાનો વારો આવી શકે તેમ છે. લોખંડી મહાકાય સ્ટ્રક્ચર જો નીચે પડે તો તેનાથી જાન માલને નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે. આ તમામ બાબતોને ધ્યાને લઈને આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેના પડઘા પાલિકામાં પડ્યા છે. પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે.અને જો એમ કરવામાં જવાબદાર લોકો પાછીપાની કરશે તો પાલિકા સ્વયં આ ગેરકાયદેસર સ્ટ્રક્ચરને નજીકના સમયમાં તોડી નાંખશે.
Reporter: News Plus