સુરત: ચૂંટણી પંચની નિષ્પક્ષ કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપનો નવો વિવાદ ઊભો થયો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા BLOની મીટિંગ યોજવાના વિવાદની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં હવે પાંડેસરાના એક ભાજપના કોર્પોરેટરે સીધેસીધું BLOની કામગીરીમાં ભાગ લઈને નવો વિવાદ સર્જ્યો છે.
પાંડેસરા વોર્ડ નંબર 28ના ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત સીધી રીતે કામગીરીમાં સામેલ થયા હતા. તેમણે BLOને સાથે રાખીને મતદારોના ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ કર્યું હતું.આ સમગ્ર મામલો ત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો જ્યારે કોર્પોરેટર શરદ પાટીલે પોતે જ આ કામગીરીના ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. આ પગલું તેમની 'સ્વપ્રસિદ્ધિ' માટે હતું, પરંતુ તેમની આ કમગીરીના કારણે ચૂંટણી પંચની કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપના આક્ષેપો થઈ રહ્યા છે.
હાલ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે, જે એક અત્યંત સંવેદનશીલ અને નિષ્પક્ષ સરકારી કામગીરી છે. નિયમ મુજબ, આ પ્રક્રિયામાં કોઈ પણ રાજકીય પક્ષના પ્રતિનિધિનો સીધો હસ્તક્ષેપ ન હોવો જોઈએ. તેમ છતાં, પાંડેસરામાં કોર્પોરેટર દ્વારા BLO સાથે ફોર્મ વહેંચવાની ઘટના સામે આવતા, વિરોધ પક્ષો અને નાગરિકો તરફથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને નિયમોના પાલન સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
Reporter: admin







