દિલ્હી :શુક્રવારે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં માહિતી આપી હતી કે, સરકારી આંકડા મુજબ, કુલ 1703 લોકોમાંથી સૌથી વધુ 620 લોકો પંજાબના છે.
ત્યાર બાદ 604 લોકો હરિયાણાના, 245 ગુજરાતના અને 10 લોકો જમ્મુ-કાશ્મીરના છે. આ બધાને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે. જ્યારે, 6 લોકો કયા રાજ્યના છે તે ઓળખી શકાયું નથી.વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 2025માં અત્યાર સુધીમાં જુદા જુદા માધ્યમોથી 1703 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. તેમાંથી, 864 લોકોને ચાર્ટર્ડ અને સૈન્ય વિમાનો દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં 333 ભારતીયોને ત્રણ અલગ-અલગ તારીખે અમેરિકન બોર્ડર સિક્યુરિટી ફોર્સે મોકલ્યા હતા. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે માર્ચ અને જૂનમાં 231 નાગરિકોને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા મોકલ્યા.
આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જુલાઈમાં 300 લોકોને બે ફ્લાઇટ્સ દ્વારા ભારત મોકલ્યા. 747 ભારતીયો વ્યક્તિગત રીતે અથવા નાના જૂથોમાં કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા ફર્યા. આ સમયગાળા દરમિયાન પનામાથી પણ 72 લોકો પાછા ફર્યા હતા. આ બધા લોકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડવામાં આવ્યા હતા.વિદેશ મંત્રાલય (MEA)ના આંકડાઓ મુજબ, વર્ષ 2025ના પહેલા સાત મહિનામાં જ 1703 ભારતીયોને અમેરિકાથી બળજબરીપૂર્વક પાછા ભારત મોકલવામાં આવ્યા છે, એટલે કે સરેરાશ દરરોજ આઠ ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. આ આંકડો બાઈડન સરકાર અને ટ્રમ્પના પહેલા કાર્યકાળના છેલ્લા વર્ષ કરતાં ત્રણ ગણો વધારે છે.
Reporter: admin







