વડોદરા : આજરોજ ફૅકલ્ટી ઓફ પરફૉર્મિંગ આર્ટ્સ, ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા ખાતે પૂણેથી પધારેલ પ્રૉ.સમીર દુબળેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું.

'પંડિત જીતેન્દ્ર અભિષેકીજીની બંદિશો' વિષય ઉપર યોજવામાં આવેલી આ કાર્યશાળામાં પ્રૉ.દુબળે દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતના વરિષ્ઠ ગાયક તથા સંગીતકાર પદ્મશ્રી પંડિત જીતેન્દ્ર અભિષેકીજીની રચનાઓ અંતર્ગત રાગ દિન કી પૂરિયા, યમન, તથા આભોગીમાં બંદિશો વિદ્યાર્થીઓને શીખવવામાં આવી હતી.શિબિરના સંયોજક ડૉ. ભાવિક માંકડના કહેવા અનુસાર સ્વ.પંડિત જીતેન્દ્ર અભિષેકીજીનું શાસ્ત્રીય સંગીત ઉપરાંત મરાઠી નાટ્યસંગીતમાં પણ અનેરું યોગદાન રહ્યું છે.

સાથે જ તેઓ ઉત્તમ રચનાકાર, સંગીત નિર્દેશક તથા ગુરુ તરીકે પણ ખ્યાત છે. સમીરજીને દીર્ઘકાળ માટે પંડિત જીતેન્દ્ર અભિષેકીજીની તાલીમ મળી છે, તથા હાલ તેઓ પૂણે ખાતે અધ્યાપનમાં કાર્યરત છે.ફૅકલ્ટી ઓફ પરફૉર્મિંગ આર્ટ્સ ખાતે નિત્ય અભ્યાસક્રમ અંતર્ગત વિદ્યાર્થી-લક્ષી વિવિધ પ્રવૃતિઓનું નિયમિત આયોજન થાય છે, જેને અન્વયે આજરોજ યોજાયેલી તથા અંદાજે અઢી કલાક ચાલેલી કાર્યશાળામાં ૯૦ થી વધુ વિદ્યાર્થીઓ તથા ૧૦ શિક્ષકો સહભાગી થઈ લાભાન્વિત થયા હતા.

Reporter: admin







