રેલવે અકસ્માતોમાં મોટા પાયે જાન-માલનું નુકસાન થાય છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મુસાફરો માટે ટ્રેન વીમા ની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પણ મોટાભાગના લોકો આ બાબતથી અજાણ છે. ત્યારે રેલવેમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિએ ટ્રેનમાં વીમા વિશે જાણવાની ખાસ જરૂર છે.
ભારતીય રેલવેએ મુસાફરો માટે ટ્રેન વીમા સુવિધા કરી રાખી છે. આ વીમાનું પ્રીમિયમ માત્ર ૪૫ પૈસા છે અને તે ૧૦ લાખ રૂપિયા સુધીનું કવર પૂરૂં પાડે છે. ઘણા મુસાફરો આ વીમા વિશે જાણતા નથી, જેના કારણે તેઓ તેનો લાભ ઉઠાવી શકતા નથી. એટલે આજે અમે તમને ટ્રેન મુસાફરી વીમા વિશે વિગતવાર જણાવીશું.ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે રેલવે ઇન્શ્યોરન્સનો વિકલ્પ છે. વીમા વિકલ્પ પસંદ કર્યા પછી, મુસાફરોના મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી પર એક સંદેશ મોકલવામાં આવે છે. આ મેસેજમાં વીમા કંપનીનું નામ અને પ્રમાણપત્ર નંબર છે જે દાવા સમયે ખૂબ જ ઉપયોગી છે.
આ ઉપરાંત વીમા કંપનીનો હેલ્પલાઇન નંબર પણ છે જયાંથી પૂછપરછ કરી શકાય છે.હવે વીમો ક્યારે મેળવવો તે પ્રશ્ન આવે છે, જયારે પણ ટ્રેન પાટા પરથી ઉતરી જવા અથવા બીજી ટ્રેન સાથે અથડામણ જેવી રેલ દુર્ઘટના થાય છે, ત્યારે આવા અકસ્માતમાં રેલ મુસાફરી વીમાનો લાભ મળે છે. પરંતુ જો પ્રવાસ દરમિયાન કોઈ મુસાફર આત્મહત્યા કે અન્ય કોઈ દુર્ઘટનાનો શિકાર બને છે, તો ભારતીય રેલવે વીમો આપતું નથી.રેલવે ઇન્શ્યોરન્સનો લાભ તમામ શ્રેણીના મુસાફરો માટે ઉપલબ્ધ છે. પરંતુ જો યાત્રીએ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી હોય તો તેને વીમાનો લાભ નહીં મળે.
Reporter: News Plus