વડોદરા : ગોત્રીમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ પોસ્ટર બેનર સાથે વિરોધ કર્યો. કાળી છત્રી સાથે વિરોધ કરી નાગરિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંધકારમય ના બનાવવા માંગ કરી.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સીટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે. જેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સીટી બસ ડેપો જ્યાં બની રહ્યો છે, તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે. ગુણાતીત રેસિડન્સી, એલિગન્સ એપલ સોસાયટી, ભાગ્યલક્ષ્મી સોસાયટી, ગુણાતીત રેસિડન્સી 2 સહિત 15થી વધુ સોસાયટીઓ આવેલી છે. જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવર જવર કરે છે. ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી 500 મીટરના અંતરે 3 મોટી અને 2 નાની સ્કૂલો આવેલી છે, જેમાં ગાયત્રી સ્કૂલ, શાનેન સ્કૂલ, શૈશવ સ્કૂલ તેમજ 2 નાના બાળકોની પ્રી સ્કૂલો આવેલી છે. રોજ સવાર સાંજ નાના બાળકો અને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવર જવર કરે છે. તેમજ અહીંયા સ્કૂલ રીક્ષા, વાન, મિનિ બસ પણ સવાર બપોરે આવે છે. ત્યારે રહેણાક અને ગીચ વિસ્તારમાં આ બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે.

આજે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો. રહેણાક વિસ્તારમાં બસ ડેપોના કારણે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગે છે. જો બસ ડેપો બીજા સ્થળે નહીં ખસેડવામાં આવે તો રહીશો મત નહીં આપીને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે. આ ઉપરાંત એલિગન્સ એપલ ડુપ્લેક્ષ પાસેના 12 મીટરના ટીપી રોડ તરફ બસ ડેપોના 1 એન્ટ્રી ગેટ તેમજ 3 એકઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યાં છે, જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આજ રોડ પરથી અવર જવર કરશે. જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અક્સ્માત થવાની ભીતિ છે. અનેક લોકોના અકસ્માતમાં જીવ પણ જઈ શકે છે. જેથી ગોત્રી વિસ્તારમાંથી બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોની માંગ છે. જો નાગરિકોની માંગ 7 દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે, તેમજ જરૂર પડશે તો કાયદાકીય લડત પણ આપશે.



Reporter:







