News Portal...

Breaking News :

17 સપ્ટેમ્બરે ફેડે વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો

2025-09-18 16:10:52
17 સપ્ટેમ્બરે ફેડે વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો


વોશિંગ્ટન : અમેરિકાની અર્થવ્યવસ્થા ફરી એકવાર ચર્ચામાં છે, કારણ કે તેના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે નવો નિર્ણય લીધો છે. 17 સપ્ટેમ્બરે ફેડે વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે, જેનાથી હવે વ્યાજદર 4.00 થી 4.25 ટકાની વચ્ચે પહોંચી ગયો છે. 



આ પગલુ ખાસ કરીને શ્રમ બજારમાં આવેલી નબળાઈને કારણે લેવાયું છે, જેથી અર્થતંત્રને ટેકો મળે. આ નિર્ણયથી ન માત્ર અમેરિકા, પણ ભારત જેવા દેશોના બજારોમાં પણ ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે.ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ 11-1ના મતથી આ વ્યાજદર ઘટાડાને મંજૂરી આપી છે. ફેડનું કહેવું છે કે આ વર્ષે આર્થિક પ્રવૃત્તિઓ ધીમી પડી છે અને શ્રમ બજારમાં જોખમો વધ્યા છે, જેના કારણે આ નિર્ણય લેવો જરૂરી હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટાડો ડિસેમ્બર 2024 પછીનો પહેલો ઘટાડો છે, અને તે ચાર વર્ષ પછીનો મોટો ફેરફાર ગણાય છે.



ગયા વર્ષે ફેડે સપ્ટેમ્બરમાં 0.25%, નવેમ્બરમાં 0.50% અને ડિસેમ્બરમાં 0.25% એમ ત્રણ વખત વ્યાજદર ઘટાડ્યા હતા. ત્યારે વ્યાજદર 4.25 થી 4.50 ટકા વચ્ચે હતા. માર્ચ 2022થી જુલાઈ 2023 સુધી ફેડે મોંઘવારી ઘટાડવા માટે 11 વખત વ્યાજદર વધાર્યા હતા. પરંતુ હવે શ્રમ બજાર નબળી થતા ફેડે વ્યાજદર ઘટાડવાનું શરૂ કર્યું છે, જેથી અર્થતંત્રને વેગ મળે.આ વ્યાજદર ઘટાડાથી અમેરિકાના શેરબજારોને ફાયદો થશે, કારણ કે લોન સસ્તી થશે અને કંપનીઓ વધુ રોકાણ કરી શકશે. ભારત જેવા ઉભરતા બજારો માટે આ ખુશીના સમાચાર છે, કારણ કે અમેરિકામાં વ્યાજદર ઓછા થવાથી વિદેશી રોકાણ વધી શકે છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી ભારતીય શેરબજારોમાં પણ ઉછાળો આવી શકે છે.વ્યાજદર એ કેન્દ્રીય બેંકનું એક મોટું હથિયાર છે, જેનાથી મોંઘવારી અને અર્થતંત્ર પર નિયંત્રણ રાખવામાં આવે છે. જ્યારે મોંઘવારી વધે, ત્યારે વ્યાજદર વધારીને બેંકો લોન મોંઘી કરવામાં આવે છે, જેથી બજારમાં પૈસાનો પ્રવાહ ઓછો થાય અને મોંઘવારી ઘટે. બીજી તરફ, જ્યારે અર્થતંત્ર નબળું પડે, ત્યારે વ્યાજદર ઘટાડીને લોન સસ્તી કરવામાં આવે છે, જેથી લોકો વધુ ખર્ચ કરે અને અર્થતંત્રને ગતિ મળે.

Reporter: admin

Related Post