એકતા નગર : ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલું સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક (જંગલ સફારી) હવે વધુ એક આંતરરાષ્ટ્રીય આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આફ્રિકન રેઈન ફોરેસ્ટના 'રત્ન' ગણાતા ત્રણ ચિમ્પાન્ઝી – જેમાં એક નર અને બે માદાનો સમાવેશ થાય છે. આજે તા. 22 જૂને 'વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડે' ના અવસરે આ બુદ્ધિશાળી અને સામાજિક પ્રાણીઓને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે.

આફ્રિકાથી એકતાનગર સુધીની સફર
આ ચિમ્પાન્ઝી, જેમના નામ નિકો (નર), સુઝી (માદા), અને એમિલિયા (માદા) છે, તેમને સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફમાંથી 23 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા હતા. તમામ કાયદેસરની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને 7 એપ્રિલ 2025ના રોજ તેમને એકતાનગરમાં લાવવામાં આવ્યા. અહીં તેમને સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવા અને કેરટેકર્સ સાથે સંબંધ કેળવવા માટે ખાસ સુવિધાયુક્ત જગ્યાએ રાખવામાં આવ્યા હતા.
રેઈન ફોરેસ્ટ જેવું કુદરતી નિવાસસ્થાન
ચિમ્પાન્ઝી કુદરતી રીતે આફ્રિકાના ગાઢ વરસાદી જંગલોમાં વસવાટ કરે છે. આથી, જંગલ સફારી દ્વારા તેમના માટે વિશાળ અને અત્યાધુનિક પિંજરું તૈયાર કરવામાં આવ્યું છે, જે આફ્રિકન રેઈન ફોરેસ્ટ જેવું જ વાતાવરણ પૂરું પાડે છે. આ પિંજરાના નિર્માણમાં ચિમ્પાન્ઝીની જૈવિક, માનસિક અને સામાજિક જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રવાસીઓ આ ચિમ્પાન્ઝીને કાચમાંથી નિહાળી શકે તેવી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત રીતે તેમના સ્વભાવિક વ્યવહારનો અભ્યાસ કરી શકે.જંગલ સફારી માત્ર એક પ્રાણી સંગ્રહાલય નથી, પરંતુ તે માનવી અને પ્રકૃતિના સંબંધોને પુનર્જીવિત કરવાનું એક મહત્વપૂર્ણ પગલું છે.
Reporter: admin







