News Portal...

Breaking News :

શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની સૂચના

2024-05-01 16:49:12
શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની સૂચના

આગામી તા. ૦૭-૦૫-૨૦૨૪, મંગળવારના રોજ વડોદરા શહેર-જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૩૬-વાઘોડીયા વિધાનસભાની પેટાચૂંટણી-૨૦૨૪ માટે મતદાન યોજનાર છે. જેથી ગુજરાત દુકાન અને સંસ્થા રોજગારીનું નિયમન અને સેવાની શરતો અધિનિયમ-૨૦૧૯, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ-૧૯૯૬ હેઠળ નોંધણી થયેલ સંસ્થાઓ-કારખાનાઓ-નોંધાયેલ બાંધકામ સાઈટ્સ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે  તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ-૧૩૫ બી ની જોગવાઇ અનુસાર સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ-કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં, તેવું મદદનીશ શ્રમ આયુક્ત તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.


જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો/શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમના મત આપવાનો અધિકારી ભોગવી શકે તે માટે તેમની ફરજના સમય દરમિયાન ત્રણથી ચાર કલાકના સમયગાળાની વારા-ફરતી સવેતન રજા આપવાની રહેશે.

જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુદ્ધનું વર્તન કરશે તો ઉક્ત અધિનિયમની જોગવાઇઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે મતદાન કરવા માટેની રજા ન મળે તે કિસ્સામાં જિલ્લાના નોડલ અધિકારી-માઇગ્રેટરી ઇલેકટર્સ, શ્રી ડી. એ. ચૌહાણ, મદદનીશ શ્રમ આયુક્ત, વડોદરા, ફોન નં. ૦૨૬૫-૨૪૨૪૫૭૬ (નાયબ શ્રમ આયુક્તની કચેરી, સી-બ્લોક, નર્મદાભવન, પાંચમો માળ, જેલરોડ, વડોદરા)નો સંપર્ક સાધવા પણ અખબારી યાદીમાં જણાવાયું છે.

Reporter: News Plus

Related Post