વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડા દ્વારા સંયુક્ત પણે 75 મીટરનો આશરે 32 કિ.મી લાંબો રીંગરોડ બનાવવાની કામગીરી હાલ ચાલુ છે.
ત્યારે રીંગરોડની કામગીરી સંદર્ભે વડોદરા નજીક બિલ મઢીમાં 70 મકાનોની જગ્યા લેવા નોટિસ આપવામાં આવતા ગ્રામજનો દ્વારા કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. બીલ ગામના પૂર્વ સરપંચના કહેવા મુજબ ટીપી 27-બીમાંથી આ રોડ પસાર કરવાનો છે. હકીકતમાં આ જગ્યા ગામતળ માટે નીમ કરેલી છે. 1981માં કલેકટરના હુકમથી મકાન સનદ આપી ફાળવેલા છે. આ મકાનો ગેરકાયદે નથી, માલિકીના છે.
બે મહિના પૂર્વે જ્યારે સર્વે કરવા આવેલા ત્યારે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમારી માગણી 2013 ના જમીન સંપાદન કાયદા હેઠળ જમીન સંપાદન કરી પુનઃ વસન સહિતના જરૂરી તમામ લાભ આપવાની છે. રોડ સામે કોઈ વાંધો નથી. કોર્પોરેશન એવું કહે છે કે આ વાંધા સુનાવણીની નોટિસ છે, પરંતુ વાંધા સુનાવણીની નોટિસમાં દસ દિવસમાં દબાણ દૂર કરવાની વાત ન હોઈ શકે. અમારી પાસે જે કંઈ માલિકીના પુરાવા છે તે રજૂ કરીને વાંધા સૂચનો આપીશું. જરૂર પડશે તો હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
Reporter: admin







