પુણે : મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પુણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. હાઈવે પર ભારે ટ્રેફિક જામ જોવા મળ્યો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યના સત્તાધીશોને વરસાદના કારણે એલર્ટમાં રહેવાં તેમજ સમયસર બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. તેમણે રાજ્યના લોકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતાં એલર્ટને ધ્યાનમાં લેવા અપીલ કરી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેતી રાખવા કહ્યું છે.પુણેમાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ઘાટમાં કુરવેંદેમાં 184.5 mm વરસાદ પડ્યો છે.

અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે પુણેમાં 26 અને 27 તારીખે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી હતી. સ્થાનિકો અને સત્તાધીશોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી. પુણેમાં 31 મે સુધી વરસાદની સ્થિતિ રહેશે. એનડીઆરએફની ટીમે પુમાલશિરાસ અને કુરૂબાવી નદી કિનારેથી છ લોકોને બચાવ્યા છે. જેમાં ત્રણ પુરૂષ, બે મહિલા, અને એક બાળક સામેલ છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના થાણે, પુણે, કોલ્હાપુર, રત્નાગિરી, રાયગઢમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
Reporter: admin







