ચાર દિવસ પહેલા ચેરમેન તમામ બ્રિજના ઇન્સ્પેક્શન જાતે કરીને આવ્યા હોય એટલા ઉત્સાહ સાથે 43 બ્રિજમાંથી 41 બ્રિજ સલામત અને 2 જોખમીની જાહેરાત ઉતાવળે કરી ચૂક્યા હતા.
41 બ્રિજ જો સલામત હોય તો બે બ્રિજમાં હાલમાં કામગીરી ચાલુ છે.એક બ્રિજ પાછળથી જોખમી જણાયો છે.તો એ રિપોર્ટમાં કેમ નહીં આવ્યું ?.
ચેરમેન થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનાં રિપોર્ટને ભરોસે અને કમિશનર પાલિકાના સ્ટ્રકચરલ એન્જિનિયર ના હોય તેવા એન્જિનિયરોને ભરોસે સબ સલામતનાં વિઝ્યુઅલ રિપોર્ટ જાહેર કરી રહ્યા છે
કયો બ્રિજ કેટલા વર્ષ જૂનો છે? કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો હતો. કેટલા વર્ષની ગેરંટી હતી? તેની પણ જાહેરાત કરો.
જે બ્રિજને સેફ કે અનસેફ જાહેર કરો છો,તેને સર્ટિફાય કરનાર સ્ટ્રકચરલ ઇજનેર અને એજન્સીઓના નામ તો જાહેર કરો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાનો એક પણ સ્ટ્રક્ચરલ એન્જિનિયર નથી. કોર્પોરેશન અત્યારે શહેરીજનો સાથે રમત રમી રહી છે. ચોમાસા પહેલા સરકારની પોલીસી મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવીને શહેરના તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરાવાયું હતું અને ત્યાર પછી આ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરનારી 2 એજન્સીએ 41 બ્રિજ સારા હોવાનું અને 2 બ્રિજ બંધ કરવા જણાવ્યું હતું. ગંભીરા બ્રીજની ઘટના બાદ કમિશનરે ફરીથી કોર્પોરેશનના ચારેય ઝોનમાં ઝોનવાઇઝ એન્જિનીયરોની ટીમ અને બ્રિજના ઇજનેરોની ટીમ બનાવીને ફરીથી બ્રિજોનું ચેકીંગ કરાવ્યું. કોર્પોરેશન પાસે સ્ટ્રક્ચરલ એન્જિનીયર જ નથી તો બ્રિજના સ્ટ્રક્ચરને કેટલું નુકશાન થયું છે તે કેવી રીતે કોર્પોરેશનના ઇજનેરોએ જાણી લીધું ? આ કામ સ્ટ્રક્ચરલ ઇજનેરનું છે અને તે કામ કર્યું કોર્પોરેશનના ઝોનલ ઇજનેરો અને બ્રિજ વિભાગનાં ઇજનેરોએ. વળી આ ઇજનેરોએ તો વિઝ્યુલ રિપોર્ટ આપ્યો છે એટલે સો ટકા સેફ તો ના જ કહી શકાય. જે બ્રિજને સેફ કે અનસેફ જાહેર કરે છે તે સ્ટ્રકચરલ ઇજનેર કે એજન્સીઓના તો નામ જ જાહેર કરાતા નથી. ભવિષ્યમાં કોઇ દુર્ઘટના બને તો તેના માટે જવાબદારી કોની ? તે સ્પષ્ટ થવું જોઈએ.
શાણા અધિકારીઓએ તમામ બાબતોમાંથી છટકી જવાની બારીઓ ખુલ્લી જ રાખી છે. સરકારની પોલીસીના ભાગરુપે ચોમાસા પહેલા તમામ બ્રિજો અને ચોમાસા પછી પણ તમામ બ્રિજોની ચકાસણી અને મજબુતાઇ ચકાસવાની હોય છે. કોર્પોરેશન દ્વારા મેક વે અને ડેલ્ફ નામની બે કન્સલ્ટન્ટન્ટની નિમણુકો કરીને શહેરના તમામ 43 નાના મોટા બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. આ બંને એજન્સીઓએ સર્વે કરીને આપેલા રિપોર્ટમાં જોખમી જણાયેલા 2 બ્રિજને તત્કાળ બંઘ કરવાનું જણાવાતા આ 2 બ્રિજ જાંબુઆનો જુનો બ્રિજ અને કમાટીબાગનો ઝુ બ્રિજને અવર જવર માટે બંધ કરાયો હતો. શહેરના 43 બ્રિજમાં 14 રેલવે ઓવરબ્રિજ છે જ્યારે 22 રીવર ઓવર બ્રિજ છે અને 4 ફ્લાય ઓવર બ્રિજ છે તો 1 બ્રિજ અન્ય છે. ગંભીરા બ્રિજ બાદ આજે જૂનાગઢમાં પણ એક પુલ તૂટી જતા હિટાચી મશીન અને છ સાત માણસો નદીમાં પડી ગયા હતા. છતાં પણ પાલિકા ઇન્સ્પેક્શનને ગંભીર ગણતી નથી. બ્રિજના ડેમેજ ભાગના સેમ્પલને ચેક કરાવ્યા વગરના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી બ્રિજની સાચી પરિસ્થિતિ જાણી શકાય નહીં. કયો બ્રિજ કેટલા વર્ષ જૂનો છે. કયા કોન્ટ્રાક્ટરએ બનાવ્યો છે. વખતો વખતનાં ઇન્સ્પેક્શન રિપોર્ટને પણ ધ્યાને લઈ રિપોર્ટ આપવાનો થાય. ફક્ત સેફ/ અનસેફનો રિપોર્ટ,ઓથોરિટી અને જાહેર જનતા માટે જોખમકારક છે.
Reporter: admin







