140 કરોડ દેશવાસીઓની ભાવનાઓ તમારી સાથે છે: મોદી
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 28 જૂને ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. ભારતીય વાયુસેના (IAF) અધિકારી શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તે એક ઐતિહાસિક ક્ષણ હતી. Axiom-4 Missionના ભાગરૂપે તેમની યાત્રાને ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશનમાં ભારત માટે એક મુખ્ય લક્ષ્યાંક ગણાવાઈ રહી છે.
14 દિવસની અંતરિક્ષ યાત્રા પર ગયેલા શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન મોદીએ વાત કરી હતી. જેમાં વડાપ્રધાને શુભાંશુને કહ્યું કે, 'તમે દેશવાસીઓના દિલની ખૂબ નજીક છો. 140 કરોડ દેશવાસીઓની ભાવનાઓ તમારી સાથે છે. તમામ ભારતીયોમાં ઉત્સાહ છે. ભારતનો પરચમ લહેરાવવા બદલ શુભેચ્છા.'
આ દરમિયાન શુભાંશુએ કહ્યું કે, 'દેશનું પ્રતિનિત્વ કરવાનો મને ગર્વ છે. અંતરિક્ષમાં મારી નહીં, દેશની યાત્રા છે. અંતરિક્ષથી ભારત ખરેખર ભવ્ય દેખાય છે, નકશા કરતાં ઘણું મોટું દેખાય છે. અંતરિક્ષથી પૃથ્વી પર કોઈ સરહદ નથી દેખાતી, અહીં 24 કલાકમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા મળે છે.'
વડાપ્રધાન મોદીએ હોમવર્ક આપતા શુભાંશુ શુક્લાને કહ્યું કે, 'તમારો અનુભવ આગામી મિશન માટે જરૂરી છે. હું જેની સાથે વાત કરું તેને હોમવર્ક જરૂર આપું છું, તમારા અનુભવ રૅકોર્ડ કરજો. ગગનયાન, ભારતનું પોતાનું સ્પેસસ્ટેશન અને ચંદ્ર પર ઉતરવાના મિશનમાં મદદ મળશે.'
વડાપ્રધાને રમૂજી અંદાજમાં શુભાંશુ શુક્લાને પૂછ્યું કે, 'તમે અન્ય અંતરિક્ષયાત્રીઓને હલવો ખવડાવ્યો કે નહીં? ત્યારે શુભાંશુ શુક્લાએ કહ્યું કે, હા, ગાજર અને મગની દાળનો હલવો તથા કેરીનો રસ ખવડાવ્યો છે.'
Reporter: admin