દેશની દીકરી નિશાકુમારીએ વડોદરાથી લંડનના સાહસ અને હિમ્મતભર્યા મહા સાયકલ પ્રવાસનું નિસડેનના બાપ્સ સંચાલિત વિશાળ અને ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં,નિલકંઠ વર્ણીને પવિત્ર જળના અભિષેક સાથે અને સંતોના આશીર્વાદ લઈને સફળ અને સુખદ સમાપન કર્યું હતું.

લંડનના પરગણામાં આવેલું આ મંદિર યુરોપનું પ્રથમ શિખરબદ્ધ મંદિર છે.નિશાકુમારી અને જાતે વાહન હંકારીને તેનું માર્ગદર્શન કરનારા નિલેશ બારોટે લગભગ 16 હજાર થી વધુ કિલોમીટરનો અત્યંત કપરો અને ધીરજ -આત્મ શ્રદ્ધાની કસોટી કરનારો આ પ્રવાસ પૂરો કરીને હાશ અનુભવી હતી 24 ના જૂનમાં શરૂ થયેલી નિશાની આ મહાસાયકલ યાત્રાનું 2025માં, યુકેના સમય પ્રમાણે 19મી જાન્યુઆરીની સાંજે મંદિરના પ્રાંગણમાં સમાપન થયું ત્યારે હજારેક ભક્તોની સત્સંગ સભામાં તેમનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું હતું.ઉષ્માભર્યા આવકાર અને વિદેશમાં વસતા ભારતીયોની લાગણી અને સૌજન્યથી પ્રવાસીઓ ગદગદિત થયાં હતાં.સહુએ તેમની હિંમત,સાહસ અને સંકલ્પબદ્ધતાને બિરદાવી હતી.પ્રવાસીઓ ને જીવન ઘડતર પ્રદર્શન બતાવવાની સાથે મંદિરની સંસ્કાર સિંચન અને સમાજને ઘડનારી,માર્ગદર્શન આપનારી,સેવાકીય તેમજ વિદેશમાં વસતા ગુજરાતીઓ - ભારતીયો ને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડી રાખનારી પ્રવૃત્તિઓ ની જાણકારી આપવામાં આવી હતી.યાદ રહે કે નિશાએ બે સાયકલોનો ઉપયોગ કરીને અને નિલેશભાઈ એ સતત વાહન ચલાવીને આ અઘરું અભિયાન લગભગ 200 થી વધુ દિવસમાં પૂરું કર્યું છે.

કુલ સોળ દેશોમાં થઈને તેઓ મંઝિલે પહોંચ્યા છે.કદાચિત વિશ્વમાં પહેલીવાર એક ભારતીય યુવતી એ એશિયા યુરોપના રૂટ પર આવી યાત્રા કરી છે.આ યાત્રામાં નાણાંકીય અને આત્મીય સહયોગ આપનાર સહુનો તેઓ આભાર માની રહ્યા છે.તેમનો આ પ્રવાસ ભારત અને વિશ્વના યુવા સાહસિકો માટે પ્રેરક બની રહેશે.પ્રવાસ પૂરો અને સફળ થવાના રાજીપા સાથે આજે થાક અને હવે કશું કરવાનું બાકી રહેતું નથી એવો ખાલીપો વર્તાય છે એવી લાગણી વ્યક્ત કરતા નિલેશ બારોટે જણાવ્યું કે હું અને નિશા યુવાઓમાં સાહસિક વૃત્તિ માટેની અભિરુચિ તો આ પ્રવાસ દ્વારા કેળવવા માંગતા હતા.પરંતુ અમારો મુખ્ય આશય વાતાવરણ ને વિષમ બનતું અટકાવવા આદતો બદલો અને પર્યાવરણ સુરક્ષક બનો એવો સંદેશ આપવાનો હતો. દેશના પ્રધાનમંત્રી આ બાબતમાં વિશ્વને પ્રેરણા મળે તેવી પહેલો કરી રહ્યા છે ત્યારે અમે change before climate change નો સંદેશ આપતા આ સાયક્લ પ્રવાસ દ્વારા તેમના કામમાં થોડાઘણા સહયોગી બની શક્યા એનો આનંદ છે.નિશાએ જણાવ્યું કે મહા સાયકલ પ્રવાસનું સમાપન એ પુર્ણાહુતી નથી.હાલ થોડો વિશ્રામ લઇને, સ્વદેશ પરત ફર્યા પછી કોઈ અભિનવ સાહસ અભિયાનની રૂપરેખા ઘડીશ. હું જંપીને નહીં બેસું...પ્રવાસીઓ એ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી એ શુભેચ્છા પત્ર પાઠવી અમને પ્રોત્સાહિત કર્યા હતા.ગુજરાત સરકાર અને ભારત સરકાર તેમજ વિદેશ મંત્રાલયે વિવિઘ દેશોના વિઝા મેળવવામાં ઉમદા સહયોગ આપ્યો.તમામ દેશોમાં ભારતીય એમ્બેસીઓનો સહકાર મળ્યો.શિક્ષણ સંસ્થાઓ,યુનિવર્સીટીઓ અને વિદેશમાં વસતા ભારતીય સમુદાયે ઉષ્માભર્યું આતિથ્ય કર્યું.આ સહુના અમે દિલથી આભારી છીએ...
Reporter: admin