હોશિયારપુરઃ સમગ્ર ઉત્તર ભારતમાં અતિ ભારે વરસાદને કારણે ભૂસ્ખલનથી લઈને નદી-નાળામાં પૂર પ્રકોપની પરિસ્થિતિ ઊભી થઈ છે.
પંજાબમાં એક કાર પૂરમા તણાતા મોટી જાનહાનિ થઈ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને સલામતી ખાતર બંધ કરવામાં આવ્યા છે.પંજાબના હોશિયારપુરથી લગભગ 34 કિમી દૂર જૈજો ખાતે નદીના પૂરમાં એક કાર તણાઇ જતાં હિમાચલ પ્રદેશના એક જ પરિવારના સાત સભ્ય સહિત નવ લોકોનાં મોત થયા છે. પંજાબ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીની જળસપાટીમાં વધારો થયો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશના એક પરિવારના 10 સભ્યો ડ્રાઈવર સાથે એક એસયૂવી કારમાં હિમાચલ પ્રદેશના મહેતપુર નજીકના દેહરાથી પંજાબના એસબીએસ નગરના મેહરોવાલમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો.કાર મેહરોવાલ પાસે વહેતી નદીમાં તણાઇ ગઇ હતી. કેટલાક સ્થાનિક લોકોએ કોઈક રીતે વાહનમાં સવાર એક વ્યક્તિને બચાવ્યો અને તેને જૈજોની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.નાયબ પોલીસ અધિક્ષક જાગીર સિંહે જણાવ્યું કે નદીમાંથી બે મહિલાઓ સહિત સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે હજુ ત્રણ ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.
Reporter: