80 કરોડના Logistic Park સહિત ત્રિ-સ્તરીય પ્લાન વડોદરામાં અમલ હેઠળ..

લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ઉદ્યોગોને ગતિ, વડોદરા બનશે વિકાસનું નવું હબ...
વડોદરા શહેરના ઉદ્યોગો, વેપાર અને પરિવહન વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) દ્વારા શહેરનો સિટી લોજિસ્ટિક્સ પ્લાન તૈયાર કરવાની કામગીરી પુરઝોશમાં ચાલી રહી છે. આ માસ્ટર પ્લાન વડોદરાને આર્થિક વિકાસના નવા પાયા પર લઈ જશે અને શહેરના ટ્રાફિક સાથે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો કરાવશે.ગુજરાત સ્ટેટ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ પોલિસી–2021ને અનુરૂપ બનાવવામાં આવી રહેલો આ પ્લાન પાલિકાના સહયોગથી અમલમાં આવશે. મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં વધતા પરિવહન ખર્ચ અને ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો છે. લોજિસ્ટિક્સ ક્ષેત્ર આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ અંગ છે, કારણ કે ઉદ્યોગો અને વેપારની સ્પર્ધાત્મકતા આ નેટવર્કની કાર્યક્ષમતાથી સીધી જોડાયેલી છે.ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળ બનાવીલ LEADS (Logistics Ease Across Different States) ઈન્ડેક્સ મુજબ લોજિસ્ટિક્સ સુવિધાઓની ગુણવત્તા, ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ, સેવાઓની સમયસરતા અને નિયમનકારી પ્રક્રિયાઓની કાર્યક્ષમતા માપવામાં આવે છે. ગુજરાત સરકારે આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક લાભ જાળવવા માટે લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક નીતિ–2021 અમલમાં મૂકી છે.વડોદરા શહેરમાં સીટી લોજિસ્ટિક પ્લાન હેઠળ ત્રણ સ્તરીય માળખું તૈયાર કરાયું છે.

પ્રથમ સ્તર હેઠળ નંદેસરી, કોટાલી, કેલનપુર અને આલમગીર–વનાંમા વિસ્તારમાં Logistic Park–cum–Transport Nagarનો અંદાજિત રૂ. 80 કરોડના ખર્ચે વિકાસ થશે. દ્વિતીય સ્તર હેઠળ આદર્શ નગર, શંકરપુરા, પાદરા અને વેમાલીમાં Urban Level Consolidation & Distribution Centres રૂ. 80 કરોડના અંદાજિત ખર્ચે ઉભા કરાશે. તૃતીય સ્તર હેઠળ શહેરની અંદરની સપ્લાય સુવિધા માટે 12 સ્થળોએ Micro Delivery Hubs (MDHs) રૂ. 24 કરોડના ખર્ચે બનાવી શકાય તેવું આયોજન છે.શહેરમાં પ્રવેશતા માર્ગોને સુધારવા અને પહોળા બનાવવા માટે કુલ 8 માર્ગોની પસંદગી કરવામાં આવી છે, જેમાં 120 મીટર આઉટર રીંગ રોડ, 90 મીટર રેડિયલ રીંગ રોડ અને 75 મીટર ઇનર રીંગ રોડનો સમાવેશ થાય છે. આ ચાર એજન્સીઓ — નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, માર્ગ અને મકાન વિભાગ, પાલિકા અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી —ના સંયુક્ત સહયોગથી રૂ. 3795 કરોડનો ખર્ચ થશે.ઉપરાંત, શહેરના બાહ્ય વિસ્તારોમાં રૂ. 12 કરોડના ખર્ચે ટ્રક પાર્કિંગ, રૂ. 21 કરોડના ખર્ચે કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ માટે 21 સ્થળો અને અન્ય લોજિસ્ટિક્સ સહાયક સુવિધાઓ વિકસિત થશે.વડોદરાનો સિટી લોજિસ્ટિક્સ પ્લાન માત્ર ટ્રાફિક ઘટાડવા માટે જ નહીં, પરંતુ શહેરની અર્થવ્યવસ્થાને મજબૂત અને નાગરિક જીવનને ગુણવત્તાસભર બનાવવા માટે મહત્ત્વપૂર્ણ કડી સાબિત થશે. લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાથી વડોદરાના ઉદ્યોગો અને વેપારની સ્પર્ધાત્મકતામાં વધારો થવા જઈ રહ્યો છે.
Reporter:







