News Portal...

Breaking News :

નર્મદા જીલ્લો : જ્યાં કુદરતે પ્રકૃતિ-સંસ્કૃતિનું સૌંદર્ય સ્વરૂપ ધારણ કર્યું છે, તેવો લીલી વનરાજી વિસ્તાર હવે પર્યાવરણ જતન-જાગૃતિમાં પણ અગ્રેસર

2025-06-04 12:25:07
નર્મદા જીલ્લો : જ્યાં કુદરતે પ્રકૃતિ-સંસ્કૃતિનું સૌંદર્ય સ્વરૂપ ધારણ કર્યું છે, તેવો લીલી વનરાજી વિસ્તાર હવે પર્યાવરણ જતન-જાગૃતિમાં પણ અગ્રેસર


સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નર્સરી, આરોગ્ય વન, વિશ્વ વન, વેલી ઓફ ફ્લાવર, બટરફ્લાય ગાર્ડન અને કેકટસ ગાર્ડન ઔષધિય વન સાથે વિવિધ ફૂલ-છોડ-ઝાડની વિવિધ પ્રજાતિના સંરક્ષણ-રક્ષણ માટે પર્યાવરણીય મિસાલ બન્યા : પર્યાવરણે પ્રવાસીઓનું આકર્ષણ વધાર્યું



રાજપીપલા, બુધવાર :- તા.૫ મી જૂનને પ્રતિ વર્ષ સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે "વિશ્વ પર્યાવરણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જુદી જુદી થીમ આધારિત કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. નર્મદા જિલ્લો પોતાની કુદરતી સમૃદ્ધિ, ઘટાટોપ જંગલો, પવિત્ર નર્મદા નદી અને ખીણ-ઝરણા પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થાનો માટે જાણીતો છે, ત્યાં પર્યાવરણ રક્ષણનો અવાજ વધુ મજબૂતાઈથી ધરતીનો ધબકાર બની સંભળાય છે. જિલ્લાની જૈવવૈવિધ્યતા, જીવનશૈલી અને પર્યાવરણના મધુર માનવ સંબંધોને કાયમ કરવા વધુ સચેત રહી પર્યાવરણની જાળવણી અને જતન સાથે હર હંમેશ રહેવાની જરૂર જણાય છે.નર્મદા જિલ્લાની પર્યાવરણીય સમૃદ્ધિની વાત કરીએ તો શૂલપાણેશ્વર રીંછ અભ્યારણ્ય, જે દેડીયાપાડા અને સાગબારા તાલુકાના વિસ્તારોમાં આવેલું છે. આ અભ્યારણ્ય અનેક વનસ્પતિઓ અને વન્યજીવોનું નિવાસસ્થાન છે, જેમાં રીંછ, હરણ,દીપડા, વિવિધ પક્ષીઓ અને ઔષધીય વનસ્પતિઓની પ્રજાતિ જોવા મળે છે.

નર્મદા નદીનું પરિપ્રેક્ષ્ય: 
ભારતની એક પવિત્ર નદી તરીકે માનવામાં આવતી નર્મદા નદી માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વ ધરાવે છે. નદી કાંઠે આવેલા જંગલ-ખીણ અને ઝરણાના વિસ્તારો, વન્ય જીવન એજ નર્મદા જિલ્લાની હરિત સમૃદ્ધિ સાથે વન પેદાશ-વન વિસ્તાર દર્શાવે છે. સાતપુડા અને વિંધ્યાચલની ગીરીકંદરાઓ પ્રાકૃતિક સૌંદર્ય સાથે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની પ્રવાસીઓનું મન મોહી લે છે. 



એકતા નગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી: 
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે પ્રસિદ્ધ સરદાર વલ્લ્ભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વિકસાવવામાં આવેલી એકતા નગરી, સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક અને વન ઇન્ટરપ્રિટેશન ઝોન પણ પર્યાવરણ જાળવણી માટે પ્રવાસીઓમાં જાગૃતિનો સંદેશો આપી જાય છે. અહીં એકતા નર્સરી, આરોગ્ય વન, વિશ્વ વન, વેલી ઓફ ફ્લાવર, બટરફ્લાય ગાર્ડન અને કેકટસ ગાર્ડન જે ઔષધિય વન સાથે વિવિધ ફૂલ-છોડ-ઝાડની પ્રજાતિના રક્ષણ માટેની મિશાલ કાયમ બની રહ્યા છે. પર્યાવરણની જાળવણી સામેના પડકારો અંગે વાત કરવામાં આવે તો, વનવિસ્તારમાં ઘટાડો અને ગેરકાયદે વૃક્ષોનું છેદન-કટિંગ પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. નર્મદા નદીમાં પ્લાસ્ટિક તથા ઘન કચરાથી થતું પ્રદૂષણ, યાત્રાધામોની આસપાસ વધતું પ્રવાસન અને તેની અસર, વૃક્ષોનો ઘટાડો અને વૃક્ષારોપણ અંગે નાગરિકોમાં જાગૃતિનો અભાવ મુખ્ય પડકારો છે. પણ તેને પૂર્તિ કરવા માટે જંગલની નર્સરીઓ, સામાજિક વનીકરણ, મિયાવાકી ફોરેસ્ટ, વૃક્ષારોપણ, નદીની સાફ સફાઈની જાગૃતિની મુહિમ આશાનું કિરણ બની પર્યાવરણના જતન માટે સ્તુત્ય પગલું છે. નર્મદા જિલ્લા કક્ષાએથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અભિયાનના ભાગરૂપે તા.૨૨મી જૂનથી જ એક પખવાડિયા માટે પ્રતિદિન અલગ અલગ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સ્કૂલ અને કોલેજોમાં પર્યાવરણ શિબિરો, એન.જી.ઓ. દ્વારા વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન, ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એકતા નગર વિસ્તારમાં રીન્યુએબલ એનર્જી અને ઇકો-ટુરિઝમ માટેના પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. સાથે અહીં પ્રદૂષણના નિયંત્રણ માટે માત્ર ઈલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખામાં આવે છે. પ્રવાસીઓ માટે ઈલેક્ટ્રીક બસ, ઈ-રિક્શા, વિવિધ આકર્ષણો ખાતે ગોલ્ફ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સોલાર રૂફટોપ અને પી.એમ.કુસુમ યોજના પર્યાવરણની જાળવણીમાં મહત્વના પગલાં ગણી શકાય અ લોકોમાં પણ દિન પ્રતિદિન જાગૃતિ આવતી જાય છે.

"પ્લાસ્ટિક પ્રદૂષણ - સંશોધન નહીં, હવે સંકલ્પની જરૂર છે!"
વિશ્વના દરેક દેશોમાં આજે સૌથી મોટો પર્યાવરણીય ખતરો છે – પ્લાસ્ટિક પ્રદૂષણ. આ એવી સમસ્યા છે જે દેખાતી નથી પણ જીવનના દરેક પાસામાં પગપેસારો કરી ચૂકી છે. નદીઓમાં, જમીનમાં, ખોરાકમાં અને અહીં સુધી કે આપણા શ્વાસમાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ જોવા મળે છે.! દર વર્ષે કરોડો ટન પ્લાસ્ટિક દરિયામાં જાય છે, પશુઓ તેને ગળી જાય છે અને આખરે આ માઇક્રોપ્લાસ્ટિક્સ આપણા ખાદ્ય પદાર્થોમાં મિશ્રણ થઈ જાય છે. અને તેથી જ હવે સમય છે માત્ર “Reduce, Reuse, Recycle” ની વાતોથી આગળ વધીને “Say NO to Single-use Plastic.”નો સંકલ્પ લેવાનો.

Reporter:

Related Post