News Portal...

Breaking News :

ચાર દરવાજા વિસ્તારનાં ફરી એક વાર દબાણ દૂર કરવાનું પાલિકાનું નાટક

2025-01-31 10:26:38
ચાર દરવાજા વિસ્તારનાં ફરી એક વાર દબાણ દૂર કરવાનું પાલિકાનું નાટક


વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે આજે ફરી ચાર દરવાજા વિસ્તારમાં દબાણ દુર કરવાનું નાટક કર્યું હતું. 


દબાણ શાખાની ટીમ સાથે પોલીસ દ્વારા ચાર દરવાજા વિસ્તાર વહિવટી વોર્ડ નં.13 અને 14મા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જો કે આ નક્કર કાર્યવાહી નથી કારણ કે થોડા દિવસ બધુ બરાબર ચાલશે પણ ત્યારબાદ દબાણોનો ખડકલો થઇ જશે તે ચોક્કસ છે. ભુતકાળમાં આ પ્રકારે અનેક વખત દબાણો દુર કરાયા છે પણ તેની કોઇ જ અસર જોવા મળી નથી. પાલિકાના અધિકારીઓને જ કંઇ પડી નથી નહિંતર ચાર દરવાજા વિસ્તારમાં દબાણોનો ખડકલો વારંવાર ના થતો હોત.આજે પાલિકાની દબાણ શાખાની ટીમ તથા વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમાં ડીસીપી ઝોન -3 તથા પોલીસ સ્ટાફ સાથે સાથે જ વહિવટી વોર્ડ નં.13 અને 14ના અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરરૂપ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા લહેરીપુરા ચાર દરવાજા,મંગળબજાર,થી લઇને માંડવી ચાર દરવાજા,,ગેડીગેટ દરવાજા વિસ્તાર તથા હરણખાના રોડ થી દૂધવાળા મહોલ્લા અને અને લહેરીપુરા વિસ્તારમાં આવેલી ગલીઓમાં નાના મોટા ગેરકાયદેસર દબાણો,દૂકાન બહારના દબાણો, લારી ગલ્લા પથારાઓ સહિતના દબાણો દુર કર્યા હતા અને તમામ સ્થળેથી મળીને ત્રણ ટ્રકથી વધુનો સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ કાર્યવાહી દરમિયાન નાના મોટા વેપારીઓ તથા પથારાવાળાઓમા ભાગદોડ મચી જવા પામી હતી.સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ટ્રાફિકને નડતરરૂપ તમામ પ્રકારના દબાણોને  દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પાલિકાની દબાણ શાખાની ટીમ ફરી સફાળી જાગી હતી. ચાર દરવાજા વિસ્તારમાં આડેધડ પાર્કીંગ તો થાય છે અને દબાણો પણ છે જેથી પાલિકાએ ગુરુવારે દબાણોનો સફાયો કર્યો હતો અને નડતરરુપ દબાણો દૂર કર્યા હતા પણ પાલિકાએ આ મામલે આવી કાર્યવાહી સમયાંતરે કરવી જરુરી છે અથવા દબાણો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જરુરી છે પણ પાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને ચાર દરવાજા વિસ્તારમાં ઉભા થયેલા દબાણો જોઇ શકતા નથી કે જોવા માગતા નથી. ચાર દરવાજા વિસ્તારની હાલત એવી ખરાબ છે કે દબાણોના કારણે ફૂટપાથ પર પણ લોકો ચાલી શકતા નથી અને રસ્તાની એક સાઇડ પર પાર્કીંગના સ્થળે પોતાનું વાહન પણ પાર્ક કરી શકતા નથી. જો જેમ તેમ પાર્ક કરે તો ટ્રાફિક પોલીસ વાહન ટો કરી લે છે એટલે બીચારા ગ્રાહકોને તકલીફનો સામનો કરવો પડે છે અને તેથી લોકો ચાર દરવાજા વિસ્તારમાં આવવાનું પણ ટાળી રહ્યા છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખી ચાર દરવાજા વિસ્તાર કાયમી દબાણ મુક્ત બને તેવી કાર્યવાહી થવી જરુરી છે.

Reporter: admin

Related Post