ફરી જૂની પ્રથાને સ્વીકારી
અભી બોલા , અભી ફોક..
નેતા અધિકારીઓ,કોન્ટ્રાક્ટરોનોભાગબટાઈનો ,ખેલ ઊલટો પડ્યો
સ્મશાન મુદ્દે મ્યુનિ.કમિશનર, મેયર, ચેરમેન તથા ધારાસભ્ય કેયુર રોકડીયા અને આરોગ્ય અધિકારી ડૉ. દેવેશ પટેલની ચાલને ભાજપ પ્રમુખે ઉલટી પાડી

વારંવાર નિર્ણય બદલનારા શાસકો ખુલ્લા પડ્યા. આબરૂની ધૂળધાણી
વડોદરા કોર્પોરેશનના મેયર, ચેરમેન તથા ધારાસભ્યની કુબુદ્ધીના રવાડે ચઢીને શાસકોએ શહેરના 31 સ્મશાનોનું ખાનગીકરણ કરી નાખ્યું હતું. પણ ખાનગી કરણ,અસુવિધાઓના કારણે પ્રજાએ કરેલા હોબાળા તથા વિપક્ષે મચાવેલા તોફાન બાદ,ઉપરનાં આદેશને પગલે આખરે શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીને મેદાનમાં આવવું પડ્યું હતું. શહેરના તમામ સ્મશાનોમાં જે સંસ્થા સેવા આપવા માંગતી હશે તેમને આપવા દેવાશે તેવી પ્રમુખે જાહેરાત કરી હતી. ગુરુવારે ઉતાવળમાં બોલાવાયેલી પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખે આ જાહેરાત કરી ત્યારે મેયર- ચેરમેનના મોંઢા પડી ગયેલા હતા. કોર્પોરેશનના ભાજપના શાસકોને આખરે થુંકેલું ચાટવું પડ્યું હતું. તમે સ્મશાનનું ખાનગીકરણ કરી જ નાંખ્યું છે તો ટેન્ડરો પાડીને કોન્ટ્રાક્ટ જેમને આપી દીધા તેમનું શું થશે તે વિચાર્યું જ નથી . મ્યુનિ.કમિશનર, મેયર, ચેરમેન તથા ધારાસભ્ય કેયુર રોકડીયા અને આરોગ્ય અધિકારી ડૉ. દેવેશ પટેલની ભાજપે આબરુ કાઢી નાંખી તેવી સ્થિતી હવે સર્જાઇ ગઇ છે. આ મુદ્દે કોઇ કોન્ટ્રાકટર કોર્ટમાં જશે તો ભાજપ અને કોર્પોરેશનના પદાધિકારીઓ શું કરશે તે પણ સવાલ પુછાઇ રહ્યો છે. વડોદરાના લોકો આજે નેતાઓની મજાક કરી રહ્યા છે કે જો બોલીને ફરી જ જવું હતું તો અત્યાર સુધી જે પ્રમાણે કામગીરી કરાતી હતી તે બંધ કેમ કરી? અત્યાર સુધી જલારામ સેવા ટ્રસ્ટ સહિતના ટ્રસ્ટો શહેરના સ્મશાનોમાં સેવા કરતા જ હતા. તેમાં ખાનગીકરણ કરવાની અને પ્રજાના સાડા દસ કરોડ રુપિયા ખર્ચી નાંખવાની જરુર જ ક્યાં હતી તે મુળ સવાલ છે. વાસ્તવમાં કોર્પોરેશનના શાસકો સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર કરીને કમાવવાનું શોધી રહ્યા હતા અને મળતીયાઓને જ કોન્ટ્રાક્ટ આપીને કોર્પોરેશનની તિજોરી ખાલી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેયર- ચેરમેન તથા ધારાસભ્યની લડાઇમાં આખરે શહેર પ્રમુખને મેદાનમાં આવવું પડ્યું હતું. છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાડનાર-કારસો રચનારા મેયર, ચેરમેન, ધારાસભ્ય સહીત ભાજપના તમામ નેતાઓ આખરે ઉંધા પડ્યા છે. આખી ફરિયાદ છેક મુખ્ય મંત્રી- પ્રભારી મંત્રી સુધી પહોંચી હતી. આ જે તાકિદની પત્રકાર પરિષદ બોલાવાઇ તેમાં પ્રમુખની પાસે બેઠેલા ચેરમેન, મેયર અને ધારાસભ્ય મૌની બાબા બનીને રહ્યા હતા અને તેમના ચહેરા પરથી લાગતું હતું કે તેમના હોશકોશ ઉડી ગયા છે. પીસીમાં જો કે દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. કોર્પોરેશનમાં તમે શાસન કરો છો પણ મેયર કે ચેરમેનને જનહિતમાં નિર્ણય લઇ શકતા ના હોવાનું પુરવાર થયું છે. સભામાં કેયુર રોકડીયાએ સ્મશાન મુદ્દે સમર્થનમાં બોલીને કોંગ્રેસને દબાવાનો પ્રયાસ કર્યો હતો. પણ આખરે વિસાવદરવાળી ના થાય તેને ધ્યાનમાં રાખીને સ્મશાનોના કરાયેલા નિર્ણયને શહેર પ્રમુખ દ્વારા તોળવી લેવાયો હતો. આ મુદ્દે તો શહેરનું મીડિયા પણ કોર્પોરેશનના શાસકોની ઝાટકણી કાઢી રહ્યું હતું.ધારાસભ્ય યોગેશ પટેલ અને કાઉન્સિલર પરાક્રમસિંહે પણ દબાતા અવાજે ફેરવિચારણાં કરવા અપીલ કરી હતી.
જેમને કોન્ટ્રાક્ટ કે વર્ક ઓર્ડર અપાયા છે તેમનું શું થશે?
શહેર પ્રમુખે તો નિર્ણય ફેરવી કાઢ્યો પણ સૌથી મોટો સવાલ એ છે કે જેમને કોન્ટ્રાક્ટ કે વર્ક ઓર્ડર અપાયા છે તેમનું શું થશે. તેમણે તો પોતાના ખર્ચે માણસો પણ હાયર કરી દીધા હશે અને અન્ય ખર્ચો કરી નાખ્યો હશે અને હવે જ્યારે આ નિર્ણય બદલી દેવાયો છે ત્યારે આ કોન્ટ્રાક્ટરોને કામ કરવા દેવાશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે,તેનો ખુલાસો પ્રમુખે નથી કર્યો.

જામનગરની જેમ લોકો વખાણ કરે તેવા સ્મશાન બનાવીશું..પ્રમુખ
પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખે જામનગરના સ્મશાનનો ઉલ્લેખ કરીને વખાણ કર્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે પ્રમુખ સાહેબ છેલ્લા 30 વર્ષથી ભાજપ કોર્પોરેશનમાં સત્તા પર છે તો બીજા શહેરના લોકો વખાણ કરે તેવા સ્મશાન તો તમારા પક્ષે બનાવવા જોઇતા હતા. તમારી પાસે ફંડ અને સત્તા બંને છે તો કેમ અત્યાર સુધી શહેરમાં સારી માળખાકીય સુવિધા ધરાવતા સ્મશાનો બન્યા નથી. ખાસવાડીની સ્મશાનની કોઈ પણ ખૂણાંમાં મુલાકાત લો તો પોલ પકડાઇ જાય તેમ છે. કારણ અહીં તો અસહ્ય ગંદકીનું રાજ જોવા મળે છે. સ્મશાન છે કે ઉકરડો તે કહેવું મુશ્કેલ છે. શહેરમાં સારા સ્મશાનો બનાવવાના બદલે કોર્પોરેશનના શાસકોએ કોર્પોરેશનના અને પ્રજાના ટેક્ષના સાડા દસ કરોડ ખર્ચીને સ્મશાનનું ખાનગીકરણ કરવાનો વિચાર કર્યો કેમ તે સવાલ શહેર પ્રમુખે મેયર અને ચેરમેનને પુછવો જોઇએ અને તો જ સ્મશાનના નામે કમાવવા નીકળેલા લોકોનો પર્દાફાશ થશે.
શું જલારામ ટ્રસ્ટ પાછી સેવા આપશે ખરું...
સ્મશાન મામલે જ્યારે નિર્ણય લેવાયો ત્યારે ચેરમેન-આરોગ્ય અધિકારીએ મીડિયામાં ઇન્ટરવ્યું આપ્યો હતો ત્યારે તેમણે જલારામ સેવા ટ્રસ્ટનું નામ લેવાના બદલે ત્યારે એક સંસ્થા એવું બોલ્યા હતા પણ નામ બોલ્યા ન હતા આટલા વર્ષ સેવા કર્યા પછી પણ તેમણે જલારામ ટ્રસ્ટનું નામ લેવાનું ટાળ્યું હતું અને ટ્રસ્ટનું અપમાન કર્યું હતું ત્યારે હવે શહેર પ્રમુખે જે નિર્ણય લીધો તેમાં જલારામ સેવા ટ્રસ્ટ હવે પાછી સેવા આપશે ખરી તે પણ સવાલ છે.
કમિશનરની સુચના મુજબ કામગીરી કરાશે.
આ મુદ્દે પાર્ટી લેવલે નિર્ણય થયો છે પણ આ નિર્ણય કમિશનર પાસે આવશે અને તેઓ જરુરી નિર્ણય કરશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. કોઇ સંસ્થા સેવા આપવા માગતી હશે તો તે અંગે પણ નિયમો મુજબ કામ કરાશે અને અત્યારે જે સંસ્થાઓ કામ કરી રહી છે તેમને રિપ્લેસ કરવી કે પછી બે સંસ્થાઓને કામ સોંપવું તે બાબતે કમિશનર સાહેબની સુચના મુજબ કામગીરી કરાશે
ડો.દેવેશ પટેલ, અધિકારી, કોર્પોરેશન
ચાર મહિના પછી ચૂંટણી પતી જશે પછી પાછું જેમ હતું તેમ થઇ જ જવાનું
સ્મશાનના મુદ્દે ભાજપે જાહેરાત કરી છે તે દુઃખની વાત છે. હજુ આ મામલે કોર્પોરેશન દ્વારા કોઇ જાહેરાત કરાઇ નથી કે કોઇ સંસ્થાઓ સાથે વાતચીત કરાઇ છે તે પણ જાહેર કરાયું નથી. ખરેખર તો આ કૌભાંડને દબાવવાનો પ્રયાસ કરાયો છે. નહીંતર આ લોકોએ શહેરને લૂંટી લેવાની તૈયારી કરી દીધી હતી. આ તો પ્રજાનો આક્રોશ અને વિરોધના કારણે તેમણે નિર્ણય બદલવો પડ્યો છે. ચાર મહિના પછી ચૂંટણી પતી જશે પછી પાછું જેમ હતું તેમ થઇ જ જવાનું છે. પ્રજાના હિતને જોતાં આ ગંભીર બાબત છે તેનો ખ્યાલ ભાજપને આવી ગયો હતો
માન સન્માન આપવા માગતા હશે તો ટ્રસ્ટીઓ નિર્ણય કરશે
કોર્પોરેશને જ અમને પત્ર લખીને હટાવ્યા હતા અને હવે કોર્પોરેશન જ જો અમને પત્ર લખશે તો અમે કોર્પોરેશન પાસે જઇશું અને આ મુદ્દે વાત કરીશું. આખરે જલારામ સેવા ટ્રસ્ટ તો પ્રજા માટે જ છે પણ જે રીતે કોર્પોરેશને અમને પત્ર લખીને છુટા થવાનું કહ્યું હતું તો અમે છુટા થઇ ગયા હતા અને હવે પત્ર લખીને અમને બોલાવશે તો અમે જઇશું અને નિર્ણય કરીશું,. માન સન્માન આપવા માગતા હશે તો ટ્રસ્ટીઓ નિર્ણય કરશે
અનુરાગ પાંડે, જલારામ સેવા ટ્રસ્ટ
જે એનજીઓ સ્મશાનગૃહમાં સેવા આપવા માગે છે તેમને અમે આમંત્રીત કરીએ છીએ
વીએમસીનું તંત્ર ફ્લેક્સીબલ છે. જે એનજીઓ સ્મશાનગૃહમાં સેવા આપવા માગે છે તેમને અમે આમંત્રીત કરીએ છીએ. કોર્પોરેશન સાથે એમઓયુ કરી નિશુલ્ક અંતિમ ક્રિયા સેવા આપવાની રહેશે. દરેક સ્મશાનમાં મિનીમમ 1 એડમિનીસ્ટ્રેર એપોઇન્ટ કરવાનો રહેશે તથા નાગરીકોને ડોનેશન આપવું હોય તો ડોનેશન માટે ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરાશે જેનો ઉપયોગ સ્મશાનના વિકાસ માટે કરાશે. નાગરીકો પાસેથી 1 રુપીયો નહી લેવાય અને અલગથી ટેક્સ પણ લાગુ નહી કરાય જો કોઇ તે સેવા આપવા માંગતા હોય તેના બિલો આઉટસોર્સિંગ બિલના એજન્સીના બિલોમાંથી બાદ કરાશે. નાગરીકોને મફત સેવા આપવા કોર્પોરેશન સંવેદનશીલ છે. મુખ્ય ખર્ચો માનવબળનો જ છે. દરેક સ્મશાનમાં 7થી 13 માણસ રાખવાનો ઇજારો આપેલો હતો. જેમાં મેનપાવર 248 છે તેમાં 51 સ્કીલ્ડ છે અને તેમનો પગાર 18510 છે અને બાકીના અનસ્કીલ્ડ મેનપાવરનો 17700 પગાર છે. તેમાં સ્પેશ્યલ એલાઉન્સ, પીએફ બોનસ, ઇએસઆઇ પણ આપી છીએ અને તેમાં કર્મચારીઓનું પણ ધ્યાન રાખેલું છે.
ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતી

Reporter:







