અમદાવાદ : મિરઝાપુરમાં આવેલા કબાડી માર્કેટમાં ગત મોડીરાત્રે આગની ઘટના બની હતી.
ફટાકડાના કારણે કબાડી માર્કેટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા 21 જેટલી ગાડીઓ સાથે ચીફ ફાયર બ્રિગેડ ઓફિસર સહિત 8 અધિકારીઓ અને કર્મચારીઓ મળીને કુલ 100 લોકોના ફાયર બ્રિગેડના સ્ટાફે વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડીરાત્રે એક વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, મિરઝાપુર વિસ્તારમાં આવેલા જયહિન્દ કબાડી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. જેના પગલે ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ પહેલા દોડાવવામાં આવી હતી. ફાયરબ્રિગેડ પહોંચ્યું ત્યાં સુધીમાં તો જૂનાં વાહનોથી લઈ અને દુકાનો સહિતમાં આગ ફેલાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધીમે ધીમે આગ આગળ વધતી ગઈ હતી. અડધાથી વધુ કબાડી માર્કેટમાં આગ ફેલાઈ ગઈ હતી.
Reporter: admin