News Portal...

Breaking News :

ધારાસભ્ય યોગેશ પટેલની જીભ લપસી..વોર્ડનાં કાર્યકરો સમક્ષ શહેર પ્રમુખને ગાંડો-જુઠ્ઠો કહી પિત્તો ગુમાવ્યો

2026-04-15 10:18:36
ધારાસભ્ય યોગેશ પટેલની જીભ લપસી..વોર્ડનાં કાર્યકરો સમક્ષ શહેર પ્રમુખને ગાંડો-જુઠ્ઠો કહી પિત્તો ગુમાવ્યો


વડોદરા ભાજપમાં બળવો: વોર્ડ-18ના ટિકિટ વિવાદે ફોડ્યો બોમ્બ, ધારાસભ્યનો જ સંગઠન પર ખુલ્લો પ્રહાર

કાર્યકરોના હોબાળા વચ્ચે યોગેશ પટેલનો વીડિયો વાયરલ—“બધું ઉપરથી થાય છે, મારું નામ ખોટું લેવાય છે”



ટિકિટ ફાળવણી પર આંતરિક ફાટ સ્પષ્ટ; ‘જૂઠ્ઠા નેતાઓ’ના આક્ષેપોથી ભાજપમાં જૂથવાદ 
વડોદરા ભાજપમાં 'ઉકળતો ચરુ': વોર્ડ 18માં ટિકિટ મુદ્દે હોબાળો, ધારાસભ્ય યોગેશ પટેલનો વીડિયો વાયરલ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં ભડકો થયો છે. વોર્ડ નંબર 18માં પસંદગીના ઉમેદવારને ટિકિટ ન મળતા નારાજ કાર્યકરો પહેલા પક્ષના કાર્યાલયે પહોંચ્યા હતા અને ત્યારબાદ ધારાસભ્ય યોગેશ પટેલના ઘરે ધસી ગયા હતા.કાર્યકરોના આક્રોશ વચ્ચે યોગેશ પટેલે આપેલા નિવેદને આખા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. કાર્યકરો સાથેની યોગેશ પટેલની વાતચીતનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શહેર સંગઠનના હોદ્દેદારોને જ કઠેડામાં ઉભા કરતા જોવા મળે છે.


વાયરલ વીડિયોમાં યોગેશ પટેલ પોતાના ઘરે આવેલા કાર્યકરોને સાંત્વના આપવાને બદલે એમ કહેતા જોવા મળે છે કે, આ બધું ઉપરથી થાય છે. તે માણસ જુઠ્ઠો છે અને સંગઠનમાં કોઈને પૂછતો નથી. આખા ગુજરાતમાં અત્યારે આ જ ધંધો ચાલી રહ્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "ગઈ વખતે પાટીલ બહારનો હતો, આ પાર્ટીનો નિર્ણય છે. આ લોકો ખોટી રીતે મારું નામ આપે છે."ઉપરાંત, વોર્ડ નંબર 18માં દીપા પંચાલને ટિકિટ આપવામાં આવતા યોગેશ પટેલે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, "આ દીપા પંચાલ ક્યાંથી આવી? આપણે તેને ઓળખીએ છીએ ખરા? તો પણ તે આવી ગઈ, હવે શું કરવાનું? તે (નેતા) જૂઠ્ઠો છે."યોગેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હવે કાર્યાલયમાં પણ જતા નથી અને આમાં તેમનો કોઈ હાથ નથી. જ્યારે કાર્યકરોએ દલીલ કરી ત્યારે ધારાસભ્યએ લાચારી વ્યક્ત કરતાં કહ્યું કે પક્ષનો નિયમ છે, એટલે ભલભલા કપાઈ ગયા છે. જો કોઈને શંકા હોય તો ત્યાં જઈને ફોન કરો.આ નિવેદન બાદ ભાજપના આંતરિક સંગઠન અને જૂથવાદના લીરેલીરા ઉડી ગયા છે, જેની અસર આગામી ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે.

Reporter: admin

Related Post