News Portal...

Breaking News :

વડોદરામાં પૂર બાદ સ્થિતિની સમીક્ષા માટે ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી

2024-08-31 14:07:58
વડોદરામાં પૂર બાદ સ્થિતિની સમીક્ષા માટે ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી


વડોદરા શહેર સત્વરે સામાન્ય સ્થિતિમાં આવે તેવા શુભ આશય અને લક્ષ્ય સાથે ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી રાતે વડોદરા દોડી આવ્યા હતા. 


છેલ્લા બે દિવસમાં આ તેમની બીજી મુલાકાત વડોદરા શહેર માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.શુક્રવારે મોડી રાતે વડોદરા દોડી આવેલા મંત્રી હર્ષ સંઘવીએ શહેરના ચારેય ઝોનમાં તબક્કાવાર અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠકો કરી હતી. આ બેઠકમાં તેમણે શહેરને તાત્કાલિક સમાન્ય સ્થિતિમાં લાવવા માટે અધિકારીઓ-પદાધિકારીઓને જરૂરી સૂચન કરી ચર્ચા કરી હતી. શુક્રવાર મોડી રાતથી શનિવારની વહેલી સવાર સુધી મંત્રીએ ચારેય ઝોનમાં બેઠકોના દોર ઉપરાંત અસરગ્રસ્તો સાથે મુલાકાત પણ કરી હતી. શહેરમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોના પરિભ્રમણ દરમિયાન તેમણે તંત્રના સફાઈ અને આરોગ્ય સહિત વિવિધ કાર્યોનું નિરીક્ષણ સહ સમીક્ષા કરી હતી, તેમજ સફાઈકર્મીઓ સાથે સંવેદનાસભર સંવાદ કર્યો હતો.વડોદરાને જે જોઈએ છે, તે બધું જ મળશે તેમ કહી મંત્રી હર્ષભાઈ સંઘવીએ કુદરતી આપત્તિનો મજબૂતાઈથી સામનો કરવા બદલ વડોદરા વાસીઓને વંદન કર્યા હતા. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાના વિકાસ માટે રાજ્ય સરકાર વડોદરાની પડખે છે. આઉટર રિંગ રોડ અને વિશ્વામિત્રી નદીના રિડેવલપમેન્ટ માટે સરકારે મંજૂરી આપી દીધી છે. આમ છતાં, જરૂર પડશે તો હજુ પણ વધારે રકમ આપવા અને સહાય પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડોદરા શહેર સામાન્ય સ્થિતિમાં આવે તે જ અમારી હાલની મુખ્ય પ્રાથમિકતા છે, તેમ કહી સંઘવીએ લોકોને પારસ્પરિક સહયોગ વધારવા અને સફાઈકર્મીઓને ઝડપથી કામ પૂર્ણ કરવા માટે અપીલ કરી હતી.શહેરના જે વિસ્તારોની મંત્રીએ મુલાકાત લીધી તેમાં સયાજીગંજ, સમા, ભીમનાથ બ્રિજ, માંજલપુર, ઓલ્ડ પાદરા રોડ, અકોટા, મુજમહુડા, વાઘોડીયા રોડ, સંગમ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, અહીં તેમણે સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ કરી અસરગ્રસ્તોના ક્ષેમ કુશળ પૂછ્યા હતા તેમજ સંવેદનાસભર પૃચ્છા કરી હતી. હર્ષ સંઘવીની આ મુલાકાતમાં તેમની સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિન્કી સોની, શહેરના ધારાસભ્યોઓ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા.

Reporter: admin

Related Post