સાઉદી અરબે એક ઐતિહાસિક પગલું ભરતા, 50 વર્ષ જૂની વિવાદાસ્પદ 'કફાલા' પ્રાયોજકપદ્ધતિ (Sponsorship System) ને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી છે.
આ નિર્ણયથી સાઉદી અરબમાં કામ કરતા 25 લાખથી વધુ ભારતીયો સહિત લગભગ 1.3 કરોડ પ્રવાસી મજૂરોને સીધો ફાયદો થશે. માનવાધિકાર સંગઠનો દ્વારા "આધુનિક યુગની ગુલામી" તરીકે ઓળખાતી આ સિસ્ટમનો અંત એ લાખો કામદારો માટે સ્વતંત્રતાના નવા સૂર્યોદય સમાન છે.કફાલા એ અરબી શબ્દ છે જેનો અર્થ 'પ્રાયોજકપદ્ધતિ' થાય છે. 1950ના દાયકામાં જ્યારે ખાડી દેશોમાં ઓઈલની શોધ થઈ, ત્યારે વિદેશી મજૂરો પર નિયંત્રણ રાખવા માટે આ સિસ્ટમ બનાવવામાં આવી હતી. આ સિસ્ટમ હેઠળ, કોઈપણ પ્રવાસી મજૂરનો કાનૂની દરજ્જો તેના માલિક કે નોકરીદાતા સાથે જોડાયેલો રહેતો હતો, જેને 'કફીલ' કહેવામાં આવે છે.
આ 'કફીલ' પાસે મજૂરના તમામ અધિકારો રહેતા હતા - વિઝા આપવાથી લઈને નોકરી બદલવા, દેશ છોડવા કે પાસપોર્ટ પોતાની પાસે રાખવા સુધીના નિર્ણયો તે જ કરતો હતો. આના કારણે મજૂરો કાયદેસર રીતે તેમના માલિકના ગુલામ બની જતા હતા. જો કોઈ મજૂર પર અત્યાચાર થાય, તો પણ તે કફીલની પરવાનગી વિના નોકરી બદલી શકતો ન હતો કે દેશ છોડી શકતો ન હતો. આ જ કારણોસર આ સિસ્ટમને "આધુનિક ગુલામી" કહેવામાં આવી.કર્ણાટકની નર્સનો કિસ્સો: 2017માં, કર્ણાટકની એક નર્સને સારા પગારના વાયદા સાથે સાઉદી અરબ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં તેના કફીલે તેનો પાસપોર્ટ જપ્ત કરી તેને ગુલામ બનાવી દીધી. તેને ભૂખી રાખવામાં આવતી, માર મારવામાં આવતો અને એકવાર તો તેને ત્રીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી. તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના હસ્તક્ષેપ બાદ તેને બચાવી લેવાઈ હતી.
Reporter: admin







