News Portal...

Breaking News :

ઓરસંગ નદીમાં પશુ ચરાવતા આધેડ પર મગરનો હુમલો, પત્નીએ બચાવ્યો

2024-05-04 12:03:54
ઓરસંગ નદીમાં પશુ ચરાવતા આધેડ પર મગરનો હુમલો, પત્નીએ બચાવ્યો


ચાંદોદ પાસેના જૂના માંડવા ગામે ઓરસંગ નદીમાં પશુ ચરાવવા ગયેલા આધેડ ઉપર મગરે હુમલો કરતાં બચાવમાં પત્નીએ હાથમાં રહેલી લાકડીના ફટકા મગરને મારતાં મગર આધેડને છોડી જતો રહ્યો હતો. મગરે આધેડનો ડાબો પગ ગંભીર રીતે કરડી ખાધો હોઇ પ્રથમ ડભોઇ રેફરલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખસેડાયા હતા.


શુક્રવારની ઢળતી સાંજે યાત્રાધામ ચાંદોદ પાસેના જૂના માંડવાના પશુપાલક 55 વર્ષીય ભગવાનસિંહ બળવંતસિંહ અંબાલીયા તેમના પત્ની મીનાબેન સાથે ઓરસંગના કાંઠે પશુ ચરાવવા ગયા હતા. દરમિયાન પશુઓને પાણી પીવડાવવા તેઓ નદી કાંઠે પહોંચ્યા ત્યારે મગર એકાએક કિનારે આવી ભગવાનસિંહનો ડાબો પગ મોંમાં પકડી ખેંચવા લાગ્યો હતો. આથી હાજર પત્નીએ બચાવ માટે બૂમાબૂમ કરી હાથમાં રહેલી લાકડીના ઉપરા છાપરી ફટકા મગરને મારતાં મગર પગ છોડી પાણીમાં ચાલ્યો ગયો હતો. પરંતુ મગરે પોતાના જડબામાં આધેડનો પગ ખૂબ મજબૂતીથી પકડ્યો હોવાથી પગમાં ખૂબ ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક ડભોઇ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ રીફર કરાયા હતા.ઉલ્લેખનીય છે કે તા.22 એપ્રિલે ફૂલવાડી ઓરસંગ નદી કિનારે મગરે હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો.



...

Reporter: News Plus

Related Post