*પ્રાદેશિક કક્ષાની કાઉન્સીલના પ્રથમ બોર્ડમાં ૧૨૨ કેસો પૈકી ૭૭માં રૂ. ૩.૪૮ કરોડનું સમાધાન થયું*
મધ્ય ગુજરાતના સાત જિલ્લાના સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગકારો માટે આનંદના સમાચાર છે. આવા ઉદ્યોગકારોને તેમના ગ્રાહકો એવા ઉદ્યોગકારો સાથે નાણાંકીય ચૂકવણીના પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધી ગાંધીનગર ખાતે કાર્યરત માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલની હવે વડોદરામાં પણ રચના કરવામાં આવી છે. જેનું પ્રથમ બોર્ડની બેઠક આજ ગુરુવારે કલેક્ટર કચેરીમાં મળી હતી અને તેમાં ૧૨૨ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલ શું છે ? એની ટૂંકી વિગતો જોઇએ તો સરકાર દ્વારા સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને તેમના ગ્રાહકો તરફથી નાણાંકીય ચૂકવણીના પ્રશ્નોના નિરાકરણ માટે કાયદાકીય રીતે અર્ધન્યાયિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ધી માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એક્ટ – ૨૦૦૬ હેઠળ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ કાઉન્સીલ બન્ને પક્ષોને સાંભળી નિર્ણય લે છે અને ચૂકવણા માટે જરૂરી આદેશો કરી શકે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ કાઉન્સીલનો વ્યાપ વધારી તેને પ્રાદેશિક કક્ષાએ કાર્યરત કરવાની પ્રક્રીયાને પ્રોત્સાહન આપ્યું હતું. તેને પગલે વડોદરાના નર્મદા ભવન ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે હવે માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલની કામગીરી શરૂ થઇ ગઇ છે.
માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલની નોટિસ બાદ જો પ્રતિવાદી હાજર ના રહે તો એક પક્ષે નિર્ણય લેવામાં આવે છે. વડોદરાની કાઉન્સીલનું કાર્યક્ષેત્ર વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ અને મહિસાગર એમ સાત જિલ્લાઓ છે. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગકારોને તેમને તેમના ગ્રાહકો દ્વારા નાણાંની વિલંબિત ચૂકવણી અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નર્મદા ભવન, વડોદરાનો સંપર્ક કરી શકે છે.
આ કાઉન્સીલના સભ્યોમાં જિલ્લા સરકારી વકીલ શ્રી અનિલ દેસાઇ, સભ્ય સચિવ શ્રી એસ. જે. ઠાકર, સભ્યો એવા એફજીઆઇના પ્રતિનિધિ શ્રી હેમાલી વ્યાસ, લીડ બેંક મેનેજર શ્રી એલ. એસ. મિના પણ પ્રોસેડિંગમાં જોડાયા હતા.
નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આજે આ કાઉન્સીલની પ્રથમ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ૧૨૨ કેસોમાં અરજદારો, પ્રતિવાદીઓને સાંભળવામાં આવ્યા હતા. જે પૈકી ૭૭ કેસોમાં બન્ને પક્ષ વચ્ચે પરસ્પર સમજૂતી કરાવી રૂ. ૩.૪૮ કરોડના ચૂકવણા માટે સહમતી સાધવામાં આવી હતી. આમ, ૧૨૨ કેસો પૈકી ૭૭ કેસોમાં સમાધાન શક્ય બન્યું હતું.
Reporter: News Plus