દિલ્હી : રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે સુરક્ષાને લઈને એક મોટું અને મહત્વનું પગલું ભર્યું છે.
સુરક્ષા એજન્સીઓને સતર્ક રાખવાના ઉદ્દેશ્યથી, યુપી સરકારે એક નવો પ્રોટોકોલ લાગુ કર્યો છે, જે અંતર્ગત હવે રાજ્યની તમામ મદરેસાઓમાં ભણાવતા મૌલવીઓ અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને સોંપવી પડશે.નવા આદેશ મુજબ, ઉત્તર પ્રદેશની દરેક માન્યતા પ્રાપ્ત અને બિન-માન્યતા પ્રાપ્ત મદરેસાએ પોતાના ત્યાં કામ કરતા તમામ શિક્ષકો અને ધાર્મિક પ્રશિક્ષકોની વ્યક્તિગત માહિતી ATS કાર્યાલયને આપવી પડશે. આ માહિતીમાં તેમનું કાયમી સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડની વિગતો અને અન્ય ઓળખ સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
એ જ રીતે, મદરેસાઓમાં ભણતા તમામ વિદ્યાર્થીઓની વિગતો અને તેમના મોબાઇલ નંબરની યાદી બનાવીને જમા કરાવવી પણ ફરજિયાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા માત્ર ડેટા સંગ્રહ કે સર્વે નથી, પરંતુ એક 'સુરક્ષા ઓડિટ'નો ભાગ છે, જેથી કોઈ પણ સંસ્થામાં શંકાસ્પદ તત્વોની હાજરીને સમયસર ઓળખી શકાય. છેલ્લા કેટલાક મહિનામાં ગુપ્તચર એજન્સીઓએ કેટલીક મદરેસાઓ અને ખાનગી ધાર્મિક સંસ્થાઓમાં બહારના રાજ્યોના યુવાનોની વધતી જતી અવરજવર પર સતર્કતા દાખવી હતી, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Reporter: admin







