પ્રાથમિક શાળાઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં રસપ્રદ ૨૨ કૃતિઓ રજૂ કરાઇ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વર્ષ-૨૦૨૫ નો કાર્યક્રમ સાવલી તાલુકાની રસુલપુરા પ્રાથમિક શાળા ખાતે ભારે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.

શાળાના ૭૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગ્રામજનો તથા સ્કૂલ મેનેજમેન્ટ સમિતિના સૌજન્યથી કેક કાપી શાળાનો વાર્ષિક દિવસ પણ ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ગૌરવગાન, સ્વાગત ગીત અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી ગોપાલસિંહે ગામ અને શાળાની કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. ગામના સરપંચ, ઉપસરપંચ તથા આગેવાનોની વિશેષ હાજરીમાં શાળાની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છ આપી મહાનુભાવોને આવકાર આપવામાં આવ્યો હતો. સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી મુકેશભાઈ શર્માએ ગણિત–વિજ્ઞાન પ્રદર્શનના હેતુઓ, સરકારના આશય તથા આ આયોજનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ધોરણ ૧ થી ૫ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૨૨ કૃતિઓ રજૂ કરાઈ હતી અને તેનું નિષ્ણાત ટીમ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર બાળકોને બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહનરૂપે સમાન પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવી હતી. સાવલી તાલુકાના શિક્ષક શ્રી વિક્રમભાઈ રાઠવાએ આ સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા અને ગ્રુપની તમામ શાળાઓએ વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લેતા રહેવા અપીલ કરી હતી.
Reporter: admin







