ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા કઠલાલના એક શિક્ષકે તો ભારે કરી છે. સરકારી સ્કૂલના ૫૮ વર્ષના આ શિક્ષક સામે તેમની બે પત્નીઓ પોલીસમાં ગઈ છે અને તેમણે ફરિયાદ કરી છે કે અમારો પતિ અમને બન્નેને છોડીને ત્રીજી સ્ત્રી સાથે ગોઠવાઈ ગયો છે. આ ફરિયાદમાં શિક્ષકની પહેલી પત્ની ફરિયાદી છે અને બીજી પત્ની વિટનેસ છે. આ શિક્ષકમહાશયનાં પ્રથમ લગ્ન ૧૮ વર્ષની ઉંમરે થયાં હતાં અને એમાં તેમને બે દીકરીઓ અવતરી હતી. તેમને વંશવારસ તરીકે પુત્ર જોઈતો હતો એટલે તેમણે પત્ની પર દબાણ કરીને બીજાં લગ્ન કરવા દેવાની છૂટ માગી હતી. પત્નીએ કમને હા પાડી એટલે છૂટાછેડા વગર ટીચરજીએ ૨૦૦૦ની સાલમાં બીજાં લગ્ન કર્યાં જેનાથી તેમને એક દીકરી અને એક દીકરો થયાં. હમ તીન હમારે ચારના આ પરિવારમાં બધું સમુંસૂતરું ચાલી રહ્યું હતું, પણ ચારેક મહિના પહેલાં બીજી પત્નીને પતિની વફાદારી પર શંકા ગઈ અને એને પગલે ભાંડો ફૂટ્યો કે ભાઈસાહેબ તો ત્રીજી જ સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં ગોઠવાઈ ગયા છે.
Reporter: News Plus