ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામમાં મિત્રો-પરિચિતોના ઓળખપત્રોના આધારે બેન્ક ખાતાં ખોલાવી તેમની જાણ બહાર લાખો કરોડોની નાણાંકીય હેરફેર કરવાના દેશભરમાં ચકચારી બનેલાં કૌભાંડ બાદ વધુ એક કરોડોના આંતર રાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડનો આદિપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. x
આ કેસમાં પકડાયેલા બે આરોપી અમદાવાદ, મોરબી, ગાંધીધામ, આદિપુરની જુદી-જુદી બેંકની ૪૪ કિટ સાથે પકડાયેલા શખ્શો મિત્રો-પરિચિતોને વિવિધ પ્રકારના પ્રલોભનો આપતા હતા અને થોડા પૈસા આપી તેમની પાસેથી બેંકની કિટ મેળવીને તેમના બેંક ખાતામાં ક્રિકેટના સટ્ટાનો વ્યવહાર કરવામાં આવતો હોવાના ઘટસ્ફોટથી ખળભળાટ ફેલાયો છે.સરહદી રેન્જની સાયબર પોલીસને પૂર્વ બાતમીના આધારે આદિપુરના ગજવાણી માર્ગ પરથી થોભાવેલી કારમાંથી જુદી-જુદી બેંકની ૪૪ કિટ મળી આવી હતી અને આદિપુરના ૪-બી વિસ્તારમાં રહેતા નરેશ રમેશ સંગતાણી તથા સાધુ વાસવાણી નગરમાં રહેતા ભરત મુકેશ નેનવાયાની અટક કરવામાં આવી હતી.
નરેશ સંગતાણી લોકોની બેંક કિટ મેળવી મુંબઈ મહારાષ્ટ્રના બાબુ બાલા નામના શખ્સને પહોંચાડતો હતો. કેટલાક બેન્ક ખાતા રાજ ધનવાણીએ ખોલાવી બાબુ બાલાને તેની કિટ આપી હતી. સાયબર પોલીસના ગુનામાં આ શખ્સનું નામ બહાર આવતાં અગાઉ જ નાસી ગયો હતો. રાજ ધનવાણી અને એ.યુ. સ્મોલ ફાયનાન્સ બેંકની ગાંધીધામ શાખાનો મેનેજર ખાતાઓ ખોલાવવામાં સાથ આપતો હોવાનું પણ ફરિયાદમાં લખાવાયું છે.
Reporter: admin