અલકાપુરીમાં પોલીસ કમિશનર બંગ્લો નજીક મંડપ ઉભો કરાયો, હજુ અન્ય વિસ્તારમાં કામગીરી થઈ શકે છે.ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ત્યારે લોકોને ગરમીથી બચાવવા માટે વડોદરા શહેરમાં અન્ય શહેરોનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનરના ઘર નજીક આવેલા ચાર રસ્તા પર ટ્રાફીક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઉભો કરવામાં આવ્યો છે. જેને લઇને ટ્રાફીક સિગ્નલ પર ઉભા રહેતા વાહન ચાલકોને સીધા સુર્યપ્રકાશથી રાહત મળશે.
રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ગરમીથી લોકોને બચાવવા માટે અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફીક સિગ્નલ પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઉભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચુક્યો છે. ત્યારે આજે આ કાર્યનું પુનરાવર્તન શહેરમાં કરવામાં આવ્યું છે. અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનર બંગ્લો નજીક આવેલા ચાર રસ્તા પર ગ્રીન કાપડનું છત બનાવી મંડપ ઉભો કરવામાં આવ્યો છે. ટ્રાફીક સિગ્નલ ખુલવાની વાટ જોતા લોકો મંડપ નીચે સીધા સુર્યપ્રકાશના સંપર્કથી બચી શકશે. હાલ બે બાજુ મંડપ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આવનાર સમયમાં શહેરના વધુ ટ્રાફીક સિગ્નલ પર આ પ્રકારે મંડપ ઉભા થાય તો નવાઇ નહી. તો બીજી તરફ હવે ગરમી અંતિમ તબક્કામાં પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સપ્તાહ જેટલા સમય બાદ વરસાદ એન્ટ્રી લે તેવી શક્યતાઓ હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. ત્યારે આ પ્રકારનો પ્રયોગ શરૂઆતથી જ કરમાવામાં આવ્યો હોત તો મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો મળી શક્યો હોત, તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.
સુત્રો ઉમેરી રહ્યા છે કે, વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેની ટુ વ્હીલર ચાલકો ખાસ સરાહના કરી રહ્યા છે અને પોલીસનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
Reporter: News Plus