રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના બનાવ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ધમધમતા નવ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધા હતા. ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુટીલાઈઝેશન
સર્ટિફિકેટના મામલે વડોદરામાં બંધ કરાયેલા અલગ-અલગ ગેમ ઝોનના સંચાલકોએ આજે મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત લીધી હતી અને વડોદરાના ગેમ ઝોનને પુન: શરૂ કરાવવાની માંગણી કરી હતી.
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચનાથી શહેરના અલગ-અલગ વિસ્તારોના સંખ્યાબંધ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયા હતા. શહેરના નવલખી મેદાન,
પ્રદર્શન મેદાન, જુદાજુદા શોપિંગ મોલમાં ધમધમતા અલગ-અલગ ગેમ ઝોનને બંધ કરી દેવાયા હતા. જે માટે ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુટિલાઈઝેશન સર્ટિફિકેટની તપાસનું બહાનુ કાઢવામાં આવ્યુ હતુ.
જોકે, વડોદરાના ગેમ ઝોનને બંધ કરાવ્યાને આજે વીસ દિવસ ઉપરાંતનો સમયગાળો વિતી ચુક્યો છે. તેમ છતાંય વડોદરાના ગેમ ઝોન શરુ કરી શકાયા નથી. જેને લીધે ગેમ ઝોનના સંચાલકોને ભારે નુકસાન વેઠવુ પડી રહ્યુ છે. ઉપરાંત, ગેમ ઝોનમાં કામ કરતા નાના કર્મચારીઓને ભુખે મરવાનો વારો આવે તેવી કપરી સ્થિતિ છે. આજે વડોદરાના ફન ફેર, ફન બ્લાસ્ટ, ઇવામોલ, રિલાયન્સ મોલ, તક્ષ ગેલેક્સી મોલ, સ્નો સીટી, એડવાન્ચર પાર્ક, સેવન સીસ મોલ, ઇનોરબિટ મોલગેમ ઝોનના સંચાલકોએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સાથે બેઠક યોજી હતી. જોકે, બેઠકના અંતે કોઈ નિર્ણય લેવાયો કે કેમ ?? તેનો હજી ખુલાસો થયો નથી. આ બેઠક અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પુષ્ટી કરી હતી.
Reporter: News Plus