નૂહ : હરિયાણાના નૂહમાં એક મોટી કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. એક ટુરિસ્ટ બસમાં આગ લાગતાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બની હતી. બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા જેમાં 8 તો જીવતા ભુંજાઈ ગયા હતા. ઘાયલોનો આંકડો પણ 24થી વધુ હોવાની જાણકારી મળી હતી.
માહિતી અનુસાર આ ઘટના મોડી રાતે આશરે 1:30 વાગ્યે બની હતી. બસમાં સવાર લોકો ધાર્મિક સ્થળોની યાત્રા કરવા નીકળ્યાં હતા જે બનારસ અને વૃંદાવનના દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. બસમાં આગ લાગવાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેના પહેાલ જ સ્થાનિકોએ આગ ઓલવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંડીગઢના રહેવાશી હોવાની માહિતી મળી રહી છે જે મથુરા અને વૃંદાવનના દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. માહિતી મળતાં જ પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. માહિતી અનુસાર જ્યારે બસમાં આગ લાગી હતી ત્યારે પણ ડ્રાયવર તેને દોડાવી જ રહ્યો હતો પરંતુ સ્થાનિક યુવાનોએ જ્યારે આ ઘટના જોઈ તો તેમણે ડ્રાયવરને જાણ કરવા અને બસને અટકાવવા માટે બાઇક પર તેનો પીછો કરી જાણ કરી હતી.
Reporter: News Plus