વડોદરા : શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી માટે નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ પર સનફાર્મા-ભાયલી રોડને જોડતા સૂચિત ઓવરબ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આજે શહેર કોંગ્રેસની આગેવાનીમાં સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પત્ર આપ્યું હતું. કોંગ્રેસે ખોટો ખર્ચ ન કરી ભાયલી વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી છે.વડોદરા પાલિકાની કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોષી, પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)ની આગેવાનીમા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પાલિકાની કચેરી ખાતે ગયા હતા. કોંગ્રેસ કાર્યકરો અને ભાયલીના લોકોએ પાલિકા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

જ્યારે ઓછા ખર્ચમાં સમસ્યાનું નિરાકરણ આવતું હોય તો મોટો ખર્ચ કરવાની કોઇ જરૂર નથી. સૂચિત બ્રિજની જગ્યાએ સાયફન બનાવવમાં આવે તો ખર્ચ ઓછો થઇ શકે છે અને સમસ્યાનું નિરાકરણ પણ આવી શકે તેમ છે. ઉપરાંત વિસ્તારમાં કોઇ ટ્રાફિકની ખાસ સમસ્યા નથી.પાલિકાએ કોઇપણ પ્રકારના અભ્યાસ કર્યા વગર જ નિર્ણય લીધો હોય તેમ લાગે છે. આ પ્રજાના પૈસાનો બગાડ છે. આ જગ્યાએ સાયફન કરવાથી વિકાસનું કામ થઇ શકે છે. અને પાલિાકના નાણાંનો સદઉપયોગ થશે.અત્રે નોંધનીય છે કે, અગાઉ વાસણા રોડ પર બનવા જઇ રહેલા બ્રિજનો વિરોધ કરતા લોકો સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ પણ આવ્યા હતા. ત્યારે તેમણે પણ સાયફન બનાવવાના વિચાર પર ભાર મુકવા જણાવ્યું હતું. ત્યાર બાદ હવે તે મામલે કોંગ્રેસ મેદાને આવી છે.

Reporter: admin