ગામ નજીક આવેલી રિલાયન્સ કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી ન મળતા ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ કરાઈ રહ્યો છે.વડોદરા શહેર નજીક આવેલા ધનોરા ગામના સ્થાનિકો રોજગારીના પ્રશ્નને લઈને પરેશાન બન્યા છે. ત્યારે આજે ધનોરા ગામના સ્થાનિકો દ્વારા ગામની નજીક આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ કંપની ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું. કે વર્ષ 1965માં રિલાયન્સ કંપની દ્વારા ગામની પાસે આવેલી જમીન ખરીદવામાં આવી હતી. જે તે સમયે ગ્રામજનોએ સ્થાનિક યુવાનોને રોજગારી મળશે તેવી આશાએ પોતાની જમીન કંપનીને વેચી હતી. પરંતુ હાલમાં રિલાયન્સ કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાના સ્થાને બહારથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખવામાં આવી રહ્યા છે. જેને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર લોકોને કામ પર રાખવામાં આવી રહ્યા છે.
જેને પગલે સ્થાનિક યુવાનોને રોજગારથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. ધનોરાના યુવાનોને રોજગાર માટે બહાર જવું પડે છે. જેથી તેઓની માંગણી છે કે કંપની દ્વારા સ્થાનિકોને રોજગારીની તક પૂરી પાડવામાં આવે.રોજગારીના પ્રશ્નને લઈને આજે ધનોરા ગામની મહિલાઓ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં રિલાયન્સ કંપની ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોસ્ટર લઈ ભારે સુત્રોચ્ચાર કરીને કંપની સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અને સ્થાનિક યુવાનોને રોજગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી.ધનોરાના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહેલા આ વિરોધ પ્રદર્શનનો કોઈ ઉકેલ આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું.
Reporter: News Plus