વડોદરા:સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા ના સૂત્ર સાથે પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વાઘોડિયા રોડ ઉપર આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા ને લઈને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનદારો દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે,તો તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આજે પાલિકાની જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ સોસાયટીમાં નહીં જતા કચરો પડી રહેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા બાદ હવે કચરા કલેક્શનની ગાડીઓની સમસ્યા ઊભી થઈ છે.

સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા 6 દિવસથી ડોર ટુ ડોરની કચરા કલેક્શનની ગાડીઓ આવતી નથી. ઘરમાં એકત્ર થયેલો કચરો ક્યાં નાખવા જઈએ. પાલિકાનો વેરો પણ અમે રાબેતા મુજબ ભરીએ છીએ. બીજા વિસ્તારોમાં આવે છે, પણ અહીંયા છેલ્લા કેટલાક દિવસથી ગાડી આવતી નથી. સ્થાનિક રહીશોએ તો હવે આ કચરો જાહેર રોડ ઉપર જ નાખી અને આ વખતે ચૂંટણીમાં વોટ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.


Reporter: admin